કૈલાશ ખેરની મ્યુઝિકલ સફરના સેલિબ્રેશનમાં દેવેન્દ્ર ફડણવીસે પત્ની સાથે આપી હાજરી

27 April, 2017 05:33 AM IST  | 

કૈલાશ ખેરની મ્યુઝિકલ સફરના સેલિબ્રેશનમાં દેવેન્દ્ર ફડણવીસે પત્ની સાથે આપી હાજરી

ટૉર્ક ફાર્માસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર પી. એસ. ચટવાલે મંગળવારે રાતે જુહુમાં કૈલાશ કેર માટે એક કાર્યક્રમ રાખ્યો હતો. આ ઇવેન્ટમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને તેમની પત્ની અમૃતા ફડણવીસની સાથે મ્યુઝિકને લગતી ઘણી સેલિબ્રિટીઝે હાજરી આપી હતી. કૈલાશ ખેરને આ વર્ષે પદ્મશ્રી અવૉર્ડ પણ આપવામાં આવ્યો છે. આ ઇવેન્ટનું દીપપ્રાગટ્ય દેવેન્દ્ર ફડણવીસે કર્યું હતું. આ વિશે તેમણે કહ્યું હતું કે ‘આજે હું અહીં એક મુખ્ય પ્રધાન તરીકે નહીં પરંતુ એક મ્યુઝિક-પ્રેમી તરીકે અને કૈલાશ ખેરના ફૅન તરીકે હાજર છું. ફક્ત ૪૩ વર્ષની ઉંમરે તેને પદ્મશ્રી અવૉર્ડ મળ્યો એ ખૂબ જ ગર્વની વાત છે. નરેન્દ્ર મોદીના નવા નિયમની ખૂબ જ તારીફ કરવા માગું છું. તેમણે ફક્ત રાજ્યએ સૂચવેલા નામને જ પદ્મશ્રી અવૉર્ડ આપવાની જગ્યાએ ખરેખર ટૅલન્ટેડ લોકોને આ અવૉર્ડ આપવાનું નક્કી કર્યું છે જે ખૂબ જ સારી વાત છે.’

આ ઇવેન્ટમાં કૈલાશ ખેરનું એક વિડિયો-પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. એ વિશે કૈલાશ ખેર કહે છે, ‘જ્યારે હું મુંબઈ આવ્યો હતો ત્યારે મારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હું મારી ઓળખ મેળવું એ પહેલાં મેં ઘણાં રિજેક્શન સહન કર્યા હતાં. જોકે મને લાગે છે કે એ દિવસોને કારણે હું વધુ સ્ટ્રૉન્ગ બન્યો છું. મને ખુશી છે કે ભગવાનના આર્શીવાદથી હું જ્યાં પણ જાઉં ત્યાં મારા ગીતને પસંદ કરવામાં આવે છે.’

પંજાબી સિંગર ગુરદાસ માનના પર્ફોર્મન્સ દ્વારા આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.