70 વર્ષના કબીર બેદી દિકરીથીયે નાની મહિલાને પરણ્યા

18 January, 2016 03:23 AM IST  | 

70 વર્ષના કબીર બેદી દિકરીથીયે નાની મહિલાને પરણ્યા



બૉલીવુડ અને હૉલીવુડ સ્ટાર કબીર બેદીએ શનિવારે તેમની ૭૦મી વરસગાંઠ પર તેમની દીકરી પૂજા બેદી કરતાં પણ નાની ઉંમરની મહિલા સાથે ચોથા લગ્ન કયાંર્ છે. ૪૨ વર્ષની પરવીન દુસાંજ સાથે ઘણા સમયથી લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા કબીર બેદીએ મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં લગ્ન કર્યા છે.

પરવીન કબીર બેદી કરતાં ૨૯ વર્ષ નાની છે એટલું જ નહીં, તે તેમની મોટી દીકરી ૪૫ વર્ષની પૂજા બેદી કરતાં પણ નાની છે. તેમણે પહેલાં લગ્ન ઓડિસી ડાન્સર પ્રોતિમા બેદી સાથે કર્યા હતાં અને તેમને બે બાળકો પૂજા બેદી અને સિદ્ધાર્થ બેદી છે. સિદ્ધાર્થે ૨૬ વર્ષની ઉંમરે ૧૯૯૭માં અમેરિકામાં આત્મહત્યા કરી લીધી હતી. કબીર બેદી અને પરવીન બાબી વચ્ચે નજદીકી વધવાથી પ્રોતિમાએ છૂટાછેડા લઈ લીધા હતા. ત્યાર બાદ કબીર બેદીએ બ્રિટિશ મૉડલ સુઝૅન હમ્ફ્રેસ સાથે લગ્ન કર્યાં હતાં અને તેમને ઍડમ બેદી નામનો દીકરો છે, જેણે બૉલીવુડમાં ‘હેલો? કૌન હૈ!’ દ્વારા ડેબ્યુ કર્યું હતું.

સુઝૅન સાથે પણ છૂટાછેડા બાદ કબીરે રેડિયો-પ્રેઝન્ટર નિકી બેદી સાથે લગ્ન કયાંર્ હતાં અને તેની સાથે તેમણે ૨૦૦૫માં છૂટાછેડા લીધા હતા. ત્યાર બાદ કબીર બેદી પરવીન દુસાંજ સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા હતા અને તેમણે તેની સાથે ચોથાં લગ્ન કરી લીધાં છે.

આ લગ્નથી તેમની દીકરી પૂજા નારાજ છે અને તેણે ટ્વિટર પર ટ્વીટ કર્યું હતું કે ‘Every Fairy tale has a wicked witch or a evil step mother! Mine is just arrived! Kabir bedi just married Parveen Dusanj.’