16 May, 2026 11:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હું આમિર ખાનનો દીકરો છું એટલે મને ઘણું કામ મળે છે
બૉલીવુડમાં નેપોટિઝમ એટલે કે વંશવાદને લઈને ચર્ચાઓ સતત ચાલતી રહે છે, પરંતુ જુનૈદ ખાન આ હકીકતથી દૂર ભાગતો નથી. હાલમાં જુનૈદે એક વાતચીત દરમ્યાન કહ્યું કે તેને નેપોટિઝમ શબ્દથી કોઈ તકલીફ નથી, કારણ કે તે જાણે છે કે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં તેને તેના પિતાની લોકપ્રિયતા અને વારસાના કારણે કેટલીક ખાસ સુવિધાઓ મળે છે. જુનૈદે એમ પણ કહ્યું કે સતત બે ફ્લૉપ ફિલ્મો આપ્યા પછી પણ તેને કામ મળી રહ્યું છે, જે માટે તે પોતાને નસીબદાર માને છે.
આમિર ખાન અને તેની પહેલી પત્ની રીના દત્તાના દીકરા જુનૈદે ઇન્ડસ્ટ્રીમાં તેને મળતી વિશેષ તક વિશે વાત કરતાં કહ્યું કે ‘નેપોટિઝમ શબ્દ મને ચીડવતો નથી, કારણ કે આ સત્ય છે. હું આમિર ખાનનો દીકરો છું એટલે મને ઘણું કામ મળે છે. નિર્માતાઓ ઘણી વાર એવા કલાકારોને પસંદ કરે છે જેમને બજારમાં સરળતાથી વેચી શકાય. આ જ કારણ છે કે સ્ટાર કિડ્સને વધારે તક મળે છે, કારણ કે લોકો તેમને પહેલેથી ઓળખતા હોય છે. ફિલ્મમેકર્સ હંમેશાં પાત્ર માટે સૌથી યોગ્ય અભિનેતાની પસંદગી કરતા નથી, પરંતુ એવા કલાકારને પસંદ કરે છે જે ફિલ્મને વધુ સારી રીતે માર્કેટ કરી શકે.’