જોધાબાઈના પાત્રથી મને જાણવા મળ્યું કે તેઓ કેટલાં નીડર, આઝાદ અને સન્માનનીય હતાં : સંધ્યા મૃદુલ

28 February, 2023 12:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સિરીઝમાં તેની સાથે ધર્મેન્દ્ર, નસીરુદ્દીન શાહ, ઝરીના વહાબ, રાહુલ બોઝ અને અદિતિ રાવ હૈદરી પણ જોવા મળશે

સંધ્યા મૃદુલ

સંધ્યા મૃદુલનું કહેવું છે કે વેબ-સિરીઝ ‘તાજ-ડિવાઇડેડ બાય બ્લડ’માં તેના પાત્ર જોધાબાઈથી તેને જાણવા મળ્યું કે તેઓ કેટલાં નીડર, આઝાદ અને સન્માનનીય હતાં. આ સિરીઝમાં તેની સાથે ધર્મેન્દ્ર, નસીરુદ્દીન શાહ, ઝરીના વહાબ, રાહુલ બોઝ અને અદિતિ રાવ હૈદરી પણ જોવા મળશે. આ સિરીઝ ZEE 5 પર ત્રીજી માર્ચે રિલીઝ થવાની છે. આ સિરીઝ મુગલ બાદશાહ અકબર અને સત્તા પર આધારિત છે. સ્ક્રિપ્ટ વિશે સંધ્યા મૃદુલે કહ્યું કે ‘મેં જોધાના રોલની તૈયારી મારા નરેશન અને સ્ક્રિપ્ટના આધારે કરી હતી. હું એવી વ્યક્તિ નથી જે પોતાના કૅરૅક્ટર વિશે વધુ વિચારે. સ્ક્રિપ્ટ મને ઇન્ટરેસ્ટિંગ લાગવી જોઈએ અને એની સાથે હું વાતચીત કરી શકું. ડિરેક્ટરે જે પ્રકારે દિશા આપી એના પર અને સ્ક્રિપ્ટ અને મારી જાત સાથે વાસ્તવિક રહેવાના વીસ વર્ષના મારા પ્રયાસ પર વિશ્વાસ મૂક્યો. ડાયલૉગ્સ મારા કૅરૅક્ટરને દર્શાવશે. મારી સૌથી મોટી તૈયારી તો એ હતી કે સેટ પર જતા અગાઉ આખી સ્ક્રિપ્ટ મેં બે વખત વાંચી હતી.’

પોતાના રોલ વિશે સંધ્યાએ કહ્યું કે ‘મારા કૅરૅક્ટર પાસેથી મને જે શીખવા મળ્યું એ હતું કે તેઓ મુગલ સમ્રાટ અકબર પ્રતિ કેટલાં ઉદાર, સ્વતંત્ર વિચારોનાં, નીડર અને સન્માનનીય હતાં પરંતુ સાથે જ જે વસ્તુ તેમને ન ગમે અથવા તો ખરાબ કે પછી અયોગ્ય હોય તો એના પ્રત્યે અણગમો વ્યકત કરવાનું પણ તેઓ સામર્થ્ય રાખતાં હતાં. અકબર અને જોધાના સંબંધો સરસ હતા. તેઓ સરસ વ્યક્તિ હતાં. સૌથી મોટી બાબત એ હતી કે તેમને પોતાના દીકરાઓ પર અપાર પ્રેમ હતો અને એ જ વસ્તુ મેં મારા રોલમાંથી ગ્રહણ કરી હતી.’

entertainment news bollywood news sandhya mridul naseeruddin shah