જૅકીને મળ્યું બ્રહ્મજ્ઞાન

22 October, 2012 05:42 AM IST  | 

જૅકીને મળ્યું બ્રહ્મજ્ઞાન



પ્રોડ્યુસર વાશુ ભગનાણીએ પોતાના દીકરા જૅકી ભગનાણીને ‘કલ કિસને દેખા’થી લૉન્ચ કર્યો હતો. આ ફિલ્મને ખાસ સફળતા નહોતી મળી, પણ એના પછીની ‘ફાલતુ’ યુવાનોને પસંદ પડી ગઈ હતી. હવે તેની ત્રીજી ફિલ્મ ‘અજબ ગઝબ લવ’ રિલીઝ થવા માટે તૈયાર છે. મજાની વાત તો એ છે કે તેની આ ત્રણેય ફિલ્મો તેના પિતાએ પ્રોડ્યુસ કરી છે.

પ્રોડ્યુસર-પિતાના દીકરા તરીકે મળતા લાભની વાત કરતાં જૅકી કહે છે, ‘પ્રોડ્યુસર-પિતાના દીકરા હોવાનો શરૂઆતના તબક્કામાં ચોક્કસ ફાયદો થાય છે, પણ પછી સફળ થવા માટે મહેનત પણ એટલી જ કરવી પડે છે. તમારા પિતા સફળ પ્રોડ્યુસર હોવાથી લોકોની તમારા તરફની અપેક્ષામાં ભારે વધારો થઈ જાય છે. એ વાત સાચી છે કે મારા પિતાએ મારા માટે ફિલ્મો પ્રોડ્યુસ કરી છે, પણ તેમને આ ફિલ્મોનું ભાવિ ઉજ્જ્વળ લાગ્યું હશે ત્યારે જ આ ફિલ્મો પ્રોડ્યુસ કરી હશે, કારણ કે તેઓ દીકરા માટે ખરાબ પ્રોજેક્ટમાં પૈસા નાખી દે એવા નથી. મારા પિતા પાક્કા બિઝનેસમૅન છે અને તેઓ મારા માટે ચૅરિટી કરવા ફિલ્મ પ્રોડ્યુસ નથી કરતા.’

જૅકીની લેટેસ્ટ ફિલ્મ ‘અજબ ગઝબ લવ’ના ડિરેક્ટર છે ‘ધૂમ’ અને ‘ધૂમ ૨’ જેવી ફિલ્મો ડિરેક્ટ કરનારા સંજય ગઢવી. સંજય સાથે કામ કરવાનો પોતાનો અનુભવ જણાવતાં જૅકી કહે છે, ‘મારી આ ફિલ્મ ૨૪ ઑક્ટોબરે દશેરાના દિવસે રિલીઝ થવાની છે અને મને મારી આ ફિલ્મ તરફથી બહુ અપેક્ષા છે. આ પહેલાંની બે ફિલ્મોમાં મેં નવોદિત ડિરેક્ટરો સાથે કામ કર્યું છે અને સંજય ગઢવી સાથે કામ કર્યા બાદ મને લાગે છે કે એક્સ્પીરિયન્સ્ડ ડિરેક્ટર સાથે કામ કરવાનો અનુભવ જ અલગ હોય છે. આ અનુભવ તમને ફિલ્મમેકિંગની ઘણી બધી સમજ આપે છે.’