તુષાર કપૂરને પિતા જિતેન્દ્રની પાંચ ફિલ્મોની રીમેકમાં ચમકવાની ઇચ્છા

23 October, 2012 05:46 AM IST  | 

તુષાર કપૂરને પિતા જિતેન્દ્રની પાંચ ફિલ્મોની રીમેકમાં ચમકવાની ઇચ્છા


હાલમાં બૉલીવુડમાં રીમેકનો દોર ચાલી રહ્યો છે. અજય દેવગન હાલના તબક્કે જિતેન્દ્ર અને શ્રીદેવીની ‘હિમ્મતવાલા’ની રીમેકમાં કામ કરી રહ્યો છે. આ સંજોગોમાં જિતેન્દ્રના દીકરા તુષાર કપૂરે તેના પિતાની કરીઅરની પાંચ ફિલ્મોની જો રીમેક બને તો એમાં કામ કરવાની ઇચ્છા જાહેર કરી છે. નીચે જણાવેલી પાંચ ફિલ્મો વિશે તુષાર પોતાની લાગણી વ્યક્ત કરે છે.

ગીત ગાયા પત્થરોં ને

આ ફિલ્મ મારા પિતાની પહેલી ફિલ્મ હતી અને એને ભારતીય સિનેમાના મોટા ગજાના ડિરેક્ટર વી. શાંતારામે ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મની સ્ટોરીલાઇન અને સિનેમૅટોગ્રાફી અદ્ભુત હતી અને એને એ વર્ષનો સિનેમૅટોગ્રાફી માટેનો ફિલ્મફેર અવૉર્ડ મળ્યો હતો.

ફર્ઝ

મને આ ફિલ્મ એટલા માટે ગમે છે, કારણ કે મને લાગે છે કે આ ફિલ્મ ભારતમાં બૉન્ડ સ્ટાઇલની પહેલી ફિલ્મ હતી. આ એક સંપૂર્ણ મસાલા ફિલ્મ હતી અને એની ફાઇટ-સીક્વન્સ હૉલીવુડ સ્ટાન્ડર્ડની હતી. ફિલ્મનાં બધાં ગીતો પણ સુમધુર અને કર્ણપ્રિય હતાં.

કારવાં

મારા પિતાની ફિલ્મોની વાત ચાલતી હોય અને હું ‘કારવાં’નો ઉલ્લેખ ન કરું તો એ મોટો ક્રાઇમ ગણાય. આ ફિલ્મને બહુ મોટી સફળતા નહોતી મળી પણ મને એ બહુ ગમે છે. ગ્રેટ નાસિર હુસેન દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મમાં કૉમેડી અને થ્રિલરનું સારું મિક્સર છે. આ ફિલ્મનાં ગીતો આજે પણ એટલાં જ લોકપ્રિય છે. ફિલ્મમાં પંચમદાનું સંગીત એનો જાન હતું.

પરિચય

આ ફિલ્મ મારા પિતાની કરીઅરના ટર્નિંગ પૉઇન્ટ સમાન હતી. આ ફિલ્મ પછી મારા પિતા તરફ જોવાની ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની દૃષ્ટિ બદલાઈ ગઈ હતી. આ ફિલ્મમાં મારા પિતાએ પહેલી વાર સિરિયસ રોલ કર્યો હતો.

ખુદગર્ઝ

મારા પિતાની જે ફિલ્મો મને બહુ ગમે છે એમાં ‘ખુદગર્ઝ’નો ખાસ સમાવેશ થાય છે. આ ફિલ્મથી બહુ સિરિયસ ન હોય એવી સંવેદનશીલ ફિલ્મોનો દોર શરૂ થયો હતો. આ ફિલ્મ જોવાની ખરેખર બહુ મજા આવી હતી જેના કારણે એને બહુ સફળતા બહુ મળી હતી.