અમ્મા હિન્દી ફિલ્મ ‘ઇઝ્ઝત’માં ધર્મેન્દ્રનાં હિરોઇન હતાં

07 December, 2016 04:08 AM IST  | 

અમ્મા હિન્દી ફિલ્મ ‘ઇઝ્ઝત’માં ધર્મેન્દ્રનાં હિરોઇન હતાં



તેજસ્વી સ્ટુડન્ટ, વાચનનાં રસિયા, વકીલ બનવાની મહત્વાકાંક્ષા ધરાવતાં અને મોહક ડાન્સ, અદ્ભુત અભિનય તેમ જ પ્રભાવશાળી વ્યક્તિત્વ વડે લાખો હૈયાં પર રાજ કરી ચૂકેલાં જયલલિતા જયરામે તેમની ફિલ્મોને કારણે લગભગ ભગવાનનો દરજ્જો પ્રાપ્ત કર્યો હતો.

૧૯૬૦થી ૧૯૮૦ વચ્ચેના દાયકાઓમાં જયલલિતાએ મુખ્યત્વે તામિલ, તેલુગુ અને કન્નડ ભાષાની ૧૪૦થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેમણે બૉલીવુડમાં હિરોઇન તરીકે એકમાત્ર હિન્દી ફિલ્મ કરી હતી અને એ પણ હિન્દી ફિલ્મઉદ્યોગના હીમૅન ધર્મેન્દ્ર સાથે. ‘ઇઝ્ઝત’ નામની એ ફિલ્મનું દિગ્દર્શન વિખ્યાત ફિલ્મસર્જક ટી. પ્રકાશ રાવે કર્યું હતું અને એ ફિલ્મ ૧૯૬૮માં રિલીઝ કરવામાં આવી હતી. એ મેલોડ્રામૅટિક ફિલ્મને સફળતા મળી નહોતી, પણ જયલલિતાના મીઠી ઉત્તેજના પેદા કરતા નૃત્ય સાથેનું એ ફિલ્મનું એક ગીત ‘જાગી બદન મેં જ્વાલા, સૈંયા તૂને ક્યા કર ડાલા’ યાદગાર બન્યું હતું.

‘ઇઝ્ઝત’માં જયલલિતાએ ઝુમકી નામની આદિવાસી કન્યાની ભૂમિકા ભજવી હતી. એમાં ધર્મેન્દ્રએ ડબલ રોલ કર્યો હતો.

જયલલિતાએ બાળકલાકાર તરીકે ‘મનમૌજી’ નામની હિન્દી ફિલ્મમાં ભગવાન શ્રીકૃષ્ણનો ત્રણ મિનિટનો રોલ કરેલો.

ધર્મેન્દ્રને લાગ્યો આઘાત

જયલલિતાના મૃત્યુથી પોતાને આઘાત લાગ્યો હોવાનું જણાવતાં ૮૧ વર્ષના ધર્મેન્દ્રએ ગઈ કાલે લાગણીભર્યા અવાજમાં કહ્યું હતું કે ‘૧૯૬૮માં ‘ઇઝ્ઝત’ ફિલ્મમાં કામ કરતી વખતે હિમાચલ પ્રદેશના કુલુ-મનાલીમાં અમે દોઢ મહિનો સાથે રહ્યાં હતાં. જયલલિતા તેમનાં મમ્મી સાથે ત્યાં આવ્યાં હતાં. જયલલિતાનાં મમ્મી અમારા માટે ભોજન બનાવતાં હતાં. એ પછી એક વાર હું ચેન્નઈ ગયો ત્યારે મેં જયલલિતા સાથે ફોન પર વાત કરી હતી, પણ તેમની સાથે વર્ષોથી મુલાકાત થઈ નહોતી.’