20 June, 2025 07:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હની ઈરાની (ડાબે), સલીમ ખાન અને જાવેદ અખ્તર (જમણે)
સલીમ ખાન અને જાવેદ અખ્તરની જોડી ૮૦-૯૦ના દાયકામાં સુપરહિટ હતી. બન્નેએ સાથે મળીને બૉલીવુડ પર રાજ કર્યું હતું. જોકે બાદમાં તેઓ અલગ થઈ ગયા હતા. હવે જાવેદ અખ્તરની પ્રથમ પત્ની હની ઈરાનીએ બન્ને વિશે ચોંકાવનારી વાત કહી છે. તેમણે કહ્યું કે જાવેદ અખ્તરમાં અહંકાર વધી ગયો હતો. તે અને સલીમ ખાન ઘમંડી થઈ ગયા હતા. તેમણે કહ્યું કે જાવેદ એવા પતિ હતા જે પોતાની પત્નીની ક્ષમતાને ઓછી આંકતા હતા.
હાલમાં એક ઇન્ટરવ્યુમાં જ્યારે હની ઈરાનીને તેમના અને જાવેદ અખ્તરના સંબંધો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ‘જાવેદ અખ્તરમાં ખૂબ અહંકાર હતો. તેઓ બીજાઓ સાથે પણ સારું વર્તન નહોતા કરતા. જ્યારે કોઈ વ્યક્તિ તેમને સલાહ આપવાનો પ્રયાસ કરતી ત્યારે તેઓ જવાબ આપતા કે અમને ન કહો શું કરવું, અમે જાણીએ છીએ. જોકે હવે તેઓ બિલકુલ બદલાઈ ગયા છે, ખાસ કરીને યુવાનો સાથેના તેમના સંબંધો જોઈને લાગે છે કે તેઓ ખૂબ સારા છે.’
આ ઇન્ટરવ્યુમાં જાવેદ અખ્તરથી અલગ થવાનાં કારણો વિશે હની ઈરાનીએ કહ્યું હતું કે ‘જાવેદ અખ્તરથી અલગ થતી વખતે મને ગુસ્સો તો આવ્યો, પણ મેં ક્યારેય ડ્રામા નથી કર્યો. મને લાગ્યું કે આ નથી ચાલી રહ્યું અને મેં હંમેશાં કહ્યું છે કે આ વિચ્છેદ ક્યારેય શબાનાને કારણે નહોતો થયો. કદાચ તેઓ મારી પાસેથી કંઈક અલગ ઇચ્છતા હતા. આજ સુધી અમારી વચ્ચે ખૂબ પ્રેમ અને સન્માન છે. મને ખબર છે કે તેઓ ક્યારેય એવું કંઈ નહીં કહે કે નહીં કરે જેનાથી મારાં બાળકોને નુકસાન થાય. આ વિશે તો મને પૂરો ભરોસો છે.’
જાવેદ અખ્તર અને હની ઈરાનીએ થોડો સમય ડેટિંગ કર્યા બાદ ૧૯૭૨માં લગ્ન કર્યાં હતાં. તેમને બે બાળકો પણ થયાં, પરંતુ વ્યક્તિગત મતભેદોને કારણે તેમનું લગ્ન ટકી શક્યું નહીં.