અઝાન માટે લાઉડસ્પીકરનો ઉપયોગ બંધ કરવાની અપીલ કરી જાવેદ અખ્તરે

11 May, 2020 07:51 PM IST  |  Mumbai Desk | Agencies

અઝાન માટે લાઉડસ્પીકરનો ઉપયોગ બંધ કરવાની અપીલ કરી જાવેદ અખ્તરે

જાવેદ અખ્તર

જાવેદ અખ્તરે લોકોને અપીલ કરી છે કે અઝાન માટે લાઉડસ્પીકરનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે એનાથી અન્યોને તકલીફ થઈ શકે છે. હાલમાં મુસ્લિમ સમાજનો પવિત્ર માસ રમઝાન ચાલી રહ્યો છે. લાઉડસ્પીકર વિશે ટ્વિટર પર જાવેદ અખ્તરે ટ્વીટ કર્યું હતું કે ‘ભારતમાં 50 વર્ષથી લાઉડસ્પીકર પર અઝાન હરામ હતી. જોકે બાદમાં એ હલાલ બની ગઈ અને હવે એ ખતમ થવાનું નામ જ નથી લઈ રહી. એને હવે લાઉડસ્પીકર પર બંધ કરવી જોઈએ. અઝાન સારી વાત છે પરંતુ લાઉડસ્પીકર પર હોવાથી કોઈને તકલીફ થઈ શકે છે. આશા રાખું છું કે આવા સમયમાં તો લોકો સમજી શકે છે.’

તેમનું આવું ટ્વીટ કેટલાક લોકોને પસંદ નથી આવ્યું. સોશ્યલ મીડિયા યુઝરે તેમને સામો સવાલ કર્યો છે કે મંદિરમાં પણ લાઉડસ્પીકર વાગે છે એનું શું. એનો જવાબ આપતાં જાવેદ અખ્તરે ટ્વીટ કર્યું હતું કે ‘મંદિર હોય કે મસ્જિદ હોય, પરંતુ તહેવારો દરમ્યાન લાઉડસ્પીકરનો ઉપયોગ કરવામાં આવે એમાં વાંધો નથી. જોકે દરરોજ મંદિર અથવા તો મસ્જિદમાં એનો ઉપયોગ ન થવો જોઈએ. હજારો વર્ષોથી અઝાન લાઉડસ્પીકર વગર થતી હતી. અઝાન તો તમારી શ્રદ્ધાનો વિષય છે.’

javed akhtar bollywood bollywood news bollywood gossips