જાવેદ અખ્તર મુંબઈમાં આવ્યા એને પચાસ વર્ષ પૂરાં થયાં

05 October, 2014 05:21 AM IST  | 

જાવેદ અખ્તર મુંબઈમાં આવ્યા એને પચાસ વર્ષ પૂરાં થયાં




વિખ્યાત ઉર્દૂ કવિ અને હિન્દી ફિલ્મોના ગીતકાર જાં નિસાર અખ્તર અને ટીચર-રાઇટર સાફિયા અખ્તરના દીકરા જાવેદ અખ્તરને પહેલો બ્રેક ૧૯૬૯માં ‘યકીન’ ફિલ્મમાં મળ્યો હતો. એ પછી તેમની શરૂ થયેલી બૉલીવુડની સફર આજ સુધી સક્સેસફુલ રીતે ચાલુ રહી છે. આ સફર દરમ્યાન તેમણે સુપરહિટ ગીતો અને સ્ક્રિપ્ટની સાથોસાથ હૃદયસ્પર્શી હિન્દી કવિતાઓ લખવાનું કામ પણ કર્યું. સ્ક્રિપ્ટરાઇટરના રોલની વાત કરીએ તો જાવેદ અખ્તર અને તેમના રાઇટર-પાર્ટનર સલીમ ખાને બૉલીવુડનો આખો સિનારિયો બદલી નાખ્યો અને ‘ઝંજીર’, ‘દીવાર’, ‘શોલે’, ‘હાથી મેરે સાથી’, ‘સીતા ઔર ગીતા’ અને ‘ત્રિશૂલ’ જેવી લૅન્ડમાર્ક બની ગયેલી ફિલ્મો આપી.

ગીતકાર જાવેદ અખ્તરે પણ અદ્ભુત કામ કર્યું. ૯૦ના દાયકાના ઉત્તરાર્ધમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘સાઝ’નાં ગીતો માટે તેમને પહેલી વાર નૅશનલ અવૉર્ડ મળ્યો. એ પછી ‘બૉર્ડર’, ‘ગૉડમધર’, ‘રેફ્યુજી’ અને ‘લગાન’ માટે પણ નૅશનલ અવૉર્ડ મળ્યા. જાવેદ અખ્તરને અત્યાર સુધીમાં ‘૧૯૪૨ - અ લવસ્ટોરી’, ‘બૉર્ડર’, ‘રેફ્યુજી’, ‘લગાન’, ‘કલ હો ના હો’ અને ‘વીર ઝારા’ માટે ફિલ્મફેર અવૉર્ડ પણ મળ્યા છે.

જાવેદ અખ્તરે પહેલાં લગ્ન સ્ક્રિપ્ટરાઇટર હની ઈરાની સાથે કર્યા. આ મૅરેજથી તેમની લાઇફમાં ફરહાન અખ્તર અને ઝોયા અખ્તર આવ્યાં. આજે એ બન્ને પણ સક્સેસફુલ ફિલ્મમેકરોની યાદીમાં ટોચ પર છે. હની ઈરાનીથી છૂટા પડ્યા પછી જાવેદ અખ્તરે ૧૯૮૪માં શબાના આઝમી સાથે મૅરેજ કર્યા.

પોતાની કરીઅર દરમ્યાન તેમણે આપેલા પ્રદાન બદલ જાવેદ અખ્તરને ૧૯૯૯માં પદ્મશ્રી અને ૨૦૦૭માં પદ્મભૂષણથી ભારત સરકારે સન્માનિત કર્યા હતા.