26 December, 2025 10:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પોસ્ટની ઉપર જ જાહ્નવી કપૂરે દીપુ ચન્દ્ર દાસનું નામ ટાઇટલ તરીકે લખ્યું હતું
જાહ્નવી કપૂર અનેક વાર સામાજિક બાબતો પર પોતાના વિચારો સોશ્યલ મીડિયા પર વ્યક્ત કરે છે. ગઈ કાલે તેણે બંગલાદેશમાં થયેલા હિન્દુ યુવકના મૉબ-લિન્ચિંગ પર સવાલ ઉઠાવ્યા હતા. તેણે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ કરીને બંગલાદેશમાં માઇનૉરિટી સાથે થઈ રહેલા ગેરવર્તન વિશે ચિંતા વ્યક્ત કરી હતી.
પોસ્ટની ઉપર જ જાહ્નવી કપૂરે દીપુ ચન્દ્ર દાસનું નામ ટાઇટલ તરીકે લખ્યું હતું. વિગતવાર પોસ્ટમાં તેણે પોતાની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ‘બંગલાદેશમાં જે થઈ રહ્યું છે એ પાશવી છે. આ કત્લેઆમની ઘટના છે, કંઈ છૂટીછવાઈ એક-બે ઘટના નથી. જો તમને તેની (દીપુ ચન્દ્ર દાસની) ટોળા દ્વારા કરવામાં આવેલી અમાનવીય હત્યા વિશે ખબર નથી તો એના વિશે વાંચો, વિડિયોઝ જુઓ, સવાલો પૂછો... અને આ બધું કર્યા પછી પણ તમે જો રોષથી ન ભરાઈ જાઓ તો જાણી લેજો કે આ દંભને કારણે જ આપણો નાશ થઈ જશે અને આપણને ખબર પણ નહીં પડે.
આપણાં પોતાનાં ભાઈ-બહેનોને બાળીને મારી નાખવામાં આવી રહ્યાં છે ત્યારે પણ આપણે દુનિયામાં દૂર થતી ઘટનાઓ વિશે રડતા રહીશું. કોમી ભેદભાવ અને ઉગ્રવાદનો આપણે ભાગ હોઈએ કે આપણે એનાથી પીડિત હોઈએ, આપણે દરેક પ્રકારના કમ્યુનલ ભેદભાવનો વિરોધ અને નિંદા કરવાં પડશે. આપણી માનવતા મરી પરવારે એ પહેલાં આપણે આ કરવું પડશે. કાલ્પનિક ભેદરેખાને કારણે આપણે પોતાના કૅમ્પમાં રહેતાં પ્યાદાં બની ગયાં છીએ, એને ઓળખવાની જરૂર છે. પોતાની જાતને જ્ઞાનથી સજ્જ કરો. અત્યારની કોમી હિંસામાં જે નિર્દોષ લોકોને ભયંકર રીતે સતાવવામાં અને મારી નાખવામાં આવી રહ્યા છે તે લોકો માટે તમે આ નૉલેજના આધારે જ સ્ટૅન્ડ લઈ શકશો.’