યુવા અવસ્થામાં પેરન્ટ બનવું એ સારી વાત છે : આયુષ્માન ખુરાના

26 December, 2018 06:07 PM IST  | 

યુવા અવસ્થામાં પેરન્ટ બનવું એ સારી વાત છે : આયુષ્માન ખુરાના

અભિનેતા આયુષ્માન ખુરાના


આયુષ્માન ખુરાનાનું કહેવું છે કે યુવાન વયમાં પેરન્ટ બની જવું એ સારી વાત છે. તેણે હાલમાં જ પોતાની દીકરીની સ્કૂલમાં સ્ર્પોટ્સ ડેમાં ભાગ લીધો હતો. એક ચૅટ-શોમાં બાળકો સાથેના પોતાના અનુભવો શૅર કરતાં આયુષ્માને કહ્યું હતું કે ‘હું શૂટિંગ માટે વહેલી સવારે જાગ્યો હોવાથી મારે સનગ્લાસિસ પહેરવા પડ્યા છે. મારી દીકરીનો સ્ર્પોટ્સ ડે પણ હતો. હું ૧૦૦ મીટરની રેસ જીતવા માટે અન્ય પેરન્ટ્સની સાથે રેડી હતો. એ બધામાં હું સૌથી યંગ પેરન્ટમાંનો એક હતો. હું ખૂબ જ ઉત્સાહિત હતો, પરંતુ અફસોસ કે હું રેસ જીતી શક્યો નહીં. એ પણ ઠીક છે કે મારી નીંદર પૂરી થઈ નહોતી. એક યુવા પિતા અને યંગ પેરન્ટ હોવું એ સારી બાબત છે, કારણ કે તમારામાં એ પ્રકારની ઊર્જા હોય છે અને તમે બાળકોની સાથે આગળ પણ વધો છો.’

 

આયુષ્માન અને તાહિરા કશ્યપને વરુશ્કા અને વિરાજવીર એમ બે બાળકો છે. દીકરો વિરાજવીર વધુ ટૅલન્ટેડ છે એવું જણાવતાં આયુષ્માને કહ્યું હતું કે ‘યંગ પેરન્ટ હોવાથી તમે બાળકો સાથે ક્રિકેટ, ફુટબૉલ રમી શકો છો. હું મારા દીકરા સાથે ચેસ રમું છું. ખરું કહું તો તે મારા કરતાં પણ ખૂબ સારી રીતે પિયાનો વગાડે છે. મારી ફિલ્મ ‘અંધાધુન’ને કારણે અમે ઘરે પિયાનો વસાવ્યો હતો. તેણે હાલમાં જ પિયાનો શીખવાનું પણ શરૂ કર્યું છે અને તેની કૉન્સર્ટ પણ ટૂંક સમયમાં યોજાવાની છે.’