વધારે ને વધારે મજબૂત બની રહ્યો છે સાજિદ-જૅકલિનનો પ્રેમ

18 October, 2012 05:42 AM IST  | 

વધારે ને વધારે મજબૂત બની રહ્યો છે સાજિદ-જૅકલિનનો પ્રેમ



સાજિદ ખાન અને જૅકલિન ફર્નાન્ડિસ વચ્ચે લાંબા સમયથી પ્રેમપ્રકરણ ચાલી રહ્યું છે. વચ્ચે બન્ને અલગ પડી ગયાં હોવાની ચર્ચા હતી, પણ હવે લાગે છે કે તેમનો પ્રેમસંબંધ તો દિવસે ને દિવસે વધારે મજબૂત બની રહ્યો છે. તાજેતરમાં સાજિદ અને જૅકલિનને જૅકલિનનાં માતા-પિતા સાથે ડિનર લેતાં પણ જોવામાં આવ્યાં હતાં. હાલમાં સાજિદ અને જૅકલિન બન્ને બહુ વ્યસ્ત હોવાના કારણે તેમને એકબીજા સાથે સમય પસાર કરવાની તક નથી મળતી, પણ હવે તેમણે આના ઉપાય તરીકે લાંબા વેકેશન પર સાથે જવાનું નક્કી કર્યું છે. હાલમાં સાજિદ ‘હિમ્મતવાલા’ની રીમેક બનાવી રહ્યો છે અને અજય દેવગન સાથેની આ ફિલ્મનું શૂટિંગ પૂરું થશે કે તરત આ પ્રેમી જોડી આ વર્ષના અંતમાં વેકેશન પર ઊપડી જશે.

સાજિદ અને જૅકલિનના સંબંધો વિશે વાત કરતાં સાજિદની નજીકની એક વ્યક્તિ કહે છે કે ‘સાજિદ અને જૅકલિન બન્ને એટલાં વ્યસ્ત છે કે છેલ્લા બે મહિનાથી એકબીજાને મળી નથી શક્યાં. જૅકલિન અબ્બાસ-મસ્તાનની ‘રેસ-ટૂ’ના શૂટિંગ માટે તુર્કી ગઈ હતી, જ્યારે સાજિદ હૈદરાબાદના રામોજી રાવ સ્ટુડિયોમાં ફિલ્મના શૂટિંગ માટે વ્યસ્ત હતો. આખરે બન્ને અત્યારે થોડાં ફ્રી થયાં હોવાના કારણે તેમણે મળવાનું નક્કી કર્યું હતું. જૅકલિનનાં માતા-પિતા પણ મુંબઈમાં જ હતાં એટલે આખરે આ ચારેય બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલી ચાઇનીઝ રેસ્ટોરાંમાં ડિનર માટે ગયાં હતાં. આ ડિનરનો સીધો મતલબ એ છે કે જૅકલિનનાં માતા-પિતાએ આ સંબંધ માટે મંજૂરી આપી દીધી છે અને તેમને કોઈ જ વાંધો નથી.’

સાજિદ અને જૅકલિનનાં માતા-પિતાના સંબંધો વિશે વાત કરતાં સાજિદની નજીકની એક વ્યક્તિ કહે છે કે ‘સાજિદ અને જૅકલિનના પેરન્ટ્સ વચ્ચે બહુ સારા સંબંધો છે અને તેમની રિલેશનશિપ દિવસે-દિવસે મજબૂત થતી જાય છે. જોકે હાલમાં સાજિદ અને જૅકલિનના મનમાં લગ્નનો વિચાર પણ નથી અને બન્નેની કરીઅર સારા તબક્કામાંથી પસાર થઈ રહી હોવાના કારણે હાલમાં તો તેઓ પોતાની કરીઅર પર જ ધ્યાન આપવા માગે છે.’