06 May, 2026 10:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મનો સીન
ઇરફાન અને વિદ્યા બાલનને એકસાથે ચમકાવતી લગભગ ૨૫ વર્ષ જૂની એક ફિલ્મ ‘ધ લાસ્ટ ટેનન્ટ’ આખરે હવે યુટ્યુબ પર રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ કેટલાક કારણોસર રિલીઝ થઈ શકી નહોતી, પરંતુ હવે એને ૨૯ એપ્રિલે ઇરફાનની છઠ્ઠી પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ આપવા માટે યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મ વિદ્યા બાલનની કરીઅરની શરૂઆતમાં શૂટ કરવામાં આવી હતી. આ ફિલ્મનાં ફુટેજ ખોવાઈ ગયાં હોવાના કારણે એને રિલીઝ નહોતી કરી શકાઈ પણ એની જૂની ટેપ મળી આવતાં એના આધારે ફિલ્મને ફરી તૈયાર કરીને યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવી છે.
વિદ્યા બાલને ફિલ્મની રિલીઝ અંગે પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં જણાવ્યું કે, ‘‘ધ લાસ્ટ ટેનન્ટ’ને આટલાં વર્ષો પછી જોવી એ ખૂબ જ અદ્ભુત લાગણી છે. એ સમયે મારી કરીઅરની શરૂઆત થઈ રહી હતી અને ઇરફાન સાથે કામ કરવું ત્યારે પણ ખાસ હતું અને આજે તો વધુ જ ખાસ લાગે છે, કારણ કે આ તેની સાથેની મારી એકમાત્ર ફિલ્મ છે.’