તો દબંગ ફિલ્મમાં ઇરફાન ખાન કે રણદીપ હૂડા હીરો તરીકે જોવા મળ્યા હોત!

07 April, 2020 02:28 PM IST  |  Mumbai | Ashu Patel

તો દબંગ ફિલ્મમાં ઇરફાન ખાન કે રણદીપ હૂડા હીરો તરીકે જોવા મળ્યા હોત!

ઇરફાન ખાન અને રણદીપ હૂડા

યસ, ડિરેક્ટર અભિનવ કશ્યપે રાઇટર દિલીપ શુક્લા સાથે મળીને ‘દબંગ’ની સ્ક્રિપ્ટ લખી એ પછી તેઓ એ ફિલ્મ માટે હીરો શોધી રહ્યા હતા એ વખતે તેમણે સપનામાં પણ સલમાન ખાનનું નામ નહોતું વિચાર્યું. તેઓ એ ફિલ્મ માટે રણદીપ હૂડા અથવા ઇરફાન ખાનને હીરો તરીકે સાઇન કરવા માગતા હતા, પરંતુ તે બન્નેમાંથી કોઈ સાથે વાત ફાઇનલ થઈ ન શકી. 

એ સમય દરમિયાન અભિનવ કશ્યપ અરબાઝ ખાનને મળવા ગયા. તેમણે અરબાઝ ખાનને સ્ક્રિપ્ટ સંભળાવી અને કહ્યું કે આમાં હીરોના સાવકા ભાઈ મખ્ખીનો રોલ તમે કરો એવી મારી ઇચ્છા છે. અરબાઝ ખાને તેમને કહ્યું કે તમે રણદીપ હૂડા કે ઇરફાન ખાનના બદલે મને શા માટે ચુલબુલ પાન્ડેનો રોલ ઑફર નથી કરી રહ્યા? 

અભિનવ કશ્યપે કહ્યું કે હું તમને આ ફિલ્મમાં મખ્ખનલાલ ઉર્ફે મખ્ખીના પાત્રમાં વધારે ફિટ જોઈ શકું છું. એ વખતે અરબાઝ ખાને તેમને ઑફર કરી કે આ ફિલ્મ સલમાન ખાન ચુલબુલ પાન્ડે તરીકે કરે તો?

એ સાંભળીને અભિનવ કશ્યપ એકદમ જ એક્સાસટ થઈ ગયા અને તેમણે તરત જ કહ્યું કે એનાથી બેસ્ટ તો કશું જ નહીં. એ પછી અરબાઝ ખાને કહ્યું કે આ ફિલ્મ હું પ્રોડ્યુસ કરીશ. અને પછી ફટાફટ એ ફિલ્મનું નિર્માણ શરૂ કરાયું. અભિનવ કશ્યપની ડિરેક્ટર તરીકેની એ પ્રથમ ફિલ્મ હતી. એ ફિલ્મના પ્રોડ્યુસર અરબાઝ ખાન, મલાઇકા અરોરા અને ધિલિન મહેતા હતા અને ફિલ્મ પ્રોડક્શન કંપની તરીકે અરબાઝ ખાન પ્રોડક્શન્સ તથા શ્રી અષ્ટવિનાયક સિને વિઝન લિમિટેડ હતા અને શ્રી અષ્ટવિનાયક સિનેવિઝન લિમિટેડે એનું ડિસ્ટ્રિબ્યુશન કર્યું હતું

એ ફિલ્મ ૩૦ કરોડ રૂપિયાના ખર્ચે બની અને એના પ્રમોશન માટે ૧૨ કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો. એ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ મહારાષ્ટ્રના વાઈ વિસ્તારમાં થયું અને એના અમુક મહત્ત્વના સીનનું યુનાઇટેડ આરબ અમીરાતમાં પણ શૂટિંગ થયું.

સપ્ટેમ્બર, ૨૦૧૦માં ઈદના દિવસે એ ફિલ્મ ૨૧૦૦ થિયેટર્સમાં એકસાથે રિલીઝ થઈ અને એ ફિલ્મ ૨૦૧૦ની સૌથી વધુ વકરો કરનારી બૉલીવુડ ફિલ્મ સાબિત થઈ. એ ફિલ્મને નૅશનલ ફિલ્મ અવૉર્ડ ફૉર બેસ્ટ પૉપ્યુલર ફિલ્મ પ્રોવાઇડિંગ હોલસમ એન્ટરટેઇનમેન્ટ અને બેસ્ટ ફીમેલ ડેબ્યુ સહિતના છ ફિલ્મફેર અવૉર્ડ મળ્યા. એ ફિલ્મ પછી તામિલમાં ‘ઓસ્થે’ અને તેલુગુમાં ‘ગબ્બરસિંઘ’ નામથી બની જે અરબાઝ ખાન પ્રોડક્શન્સના બૅનર હેઠળ મલાઇકા અરોરા અને અરબાઝ ખાને પ્રોડ્યુસ કરી હતી. 

10 સપ્ટેમ્બર, 2010ના દિવસે રિલીઝ થયેલી એ ફિલ્મે બોક્સ ઓફિસ પર 219 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ‘દબંગ’ ફિલ્મની બીજી પણ કેટલીક રસપ્રદ માહિતી જાણવા જેવી છે. એ વિશે પછી વાત કરીશું.

randeep hooda irrfan khan bollywood news ashu patel entertainment news