20 June, 2026 04:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇમ્તિયાઝ અલી બનાવવા ઇચ્છે છે રાધા-કૃષ્ણની કથા
ફિલ્મમેકર ઇમ્તિયાઝ અલી તેની લેટેસ્ટ ફિલ્મ ‘મૈં વાપસ આઉંગા’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મના પ્રમોશન વખતે તેણે એક ખાસ ઇચ્છા વ્યક્ત કરીને કહ્યું હતું કે તે ભવિષ્યમાં રાધા-કૃષ્ણની કથા પર ફિલ્મ બનાવવા ઇચ્છે છે, કારણ કે આ માત્ર પ્રેમકથા નથી પણ એનાથી ઘણી વધારે છે.
પોતાની આ ઇચ્છા જણાવતાં ઇમ્તિયાઝ અલીએ કહ્યું હતું કે ‘રાધા-કૃષ્ણની વાર્તા મને ખૂબ આકર્ષે છે. આ કથા માત્ર રોમૅન્સ કે પ્રેમ વિશે નથી પણ એમાં આધ્યાત્મિકતા, સમર્પણ, ત્યાગ અને માનવીય લાગણીઓની ઊંડી સમજ સમાયેલી છે. રાધા અને કૃષ્ણનો સંબંધ પરંપરાગત પ્રેમકથાઓથી અલગ છે. આ એક એવી લાગણી છે જે સમય, અંતર અને ભૌતિક હાજરીથી પર છે. આ કથાને મોટા પડદા પર રજૂ કરવાની વિશાળ સંભાવનાઓ છે. હાલમાં હું આ વિષય પર સત્તાવાર રીતે કામ નથી કરી રહ્યો, પણ જો તક મળશે તો હું ચોક્કસપણે રાધા-કૃષ્ણની કથાને મારી રીતે રજૂ કરવા ઇચ્છું છું.’