મને મગજમાં રાઈ ભરાઈ જાય એ જરાય પસંદ નથી

26 August, 2012 05:23 AM IST  | 

મને મગજમાં રાઈ ભરાઈ જાય એ જરાય પસંદ નથી

ઇમરાન હાશ્મીએ પોતાની કરીઅરની શરૂઆત મહેશ ભટ્ટના કૅમ્પની ફિલ્મોમાં અસિસ્ટન્ટ તરીકે કરી હતી અને હાલમાં તેના નામે ‘વન્સ અપૉન અ ટાઇમ ઇન મુંબઈ’,  ‘ધ ડર્ટી પિક્ચર’ અને ‘શાંઘાઈ’ જેવી હિટ ફિલ્મો નોંધાઈ ગઈ છે. ઇમરાન આગામી ‘રાઝ ૩’માં ડિરેક્ટરનો અને ‘ઘનચક્કર’માં કૉમેડી રોલ ભજવી રહ્યો છે. હાલનો સમય ઇમરાનની કરીઅરમાં બહુ મહત્વનો છે ત્યારે તે ‘મિડ-ડે’ સાથે પોતાના ભવિષ્યની ચર્ચા કરે છે.

તું હાલમાં ઘણી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે તો બધાને કઈ રીતે ન્યાય આપી શકે છે?

મારા માટે આ અઘરું છે. હું છેલ્લા કેટલાક સમયથી સતત શૂટિંગ કરી રહ્યો છું અને પ્રમોશનને શક્ય એટલો વધારે સમય આપવાનો પ્રયાસ કરું છું.

તું સ્ટારડમને કઈ રીતે હૅન્ડલ કરે છે?

હું મારા પર સફળતા અને નિષ્ફળતાની અસર નથી થવા દેતો અને મારા પગ શક્ય એટલા જમીન પર રાખવાનો પ્રયાસ કરું છું. સફળતાને કારણે માથામાં રાઈ ન ભરાઈ જવી જોઈએ, કારણ કે એના કારણે ઓવર-કૉન્ફિડન્સ આવી જાય છે. હું સફળતા અને નિષ્ફળતાને બહુ ગંભીરતાથી નથી લેતો, કારણ કે આ તો અમારા વ્યવસાયની બે બાજુઓ છે.

ચર્ચા છે કે તું તારી ફિલ્મ ‘રાઝ ૩’ના પ્રમોશન માટે સમય નથી ફાળવી રહ્યો...

હું આ ફિલ્મના લૉન્ચમાં હાજર હતો અને પ્રમોશનના છેલ્લા તબક્કામાં પણ ભારે સક્રિય બનીશ. મેં વચ્ચે ‘ઘનચક્કર’ના શૂટિંગ માટે બે અઠવાડિયાંનો બ્રેક લીધો હતો અને હવે ‘રાઝ ૩’ના પ્રમોશન માટે અલગ-અલગ શહેરોમાં જઈશ.

‘રાઝ ૩’ના ડિરેક્ટરનું પાત્ર ભજવવા તેં કોઈમાંથી પ્રેરણા લીધી છે?

મેં આ પાત્ર ભજવવા અત્યાર સુધી જેટલા ડિરેક્ટરો સાથે કામ કર્યું છે એ તમામમાંથી પ્રેરણા લીધી છે. મેં ‘રાઝ’ અને ‘કસૂર’ જેવી ફિલ્મોમાં અસિસ્ટન્ટની જવાબદારી નિભાવી છે એટલે મારો આ અનુભવ પણ મને આ પાત્ર ભજવવામાં કામ લાગ્યો છે.

તું ફિલ્મના તારા પાત્ર સાથે આઇડેન્ટિફાય કરે છે?

આ આખી ઇન્ડસ્ટ્રી સ્ટ્રગલથી ભરપૂર છે અને અમારે બે છેડા ભેગા કરવા માટે સતત મહેનત કરવી પડે છે. દરેક વ્યક્તિ સાથે તમારો અલગ સંબંધ હોય છે અને તમને અસ્વીકાર અને સફળતા બન્ને લાગણી માણવાની તક મળે છે. હું આ બધી વાતો સાથે મારી જાતને આઇડેન્ટિફાય કરું છું.

ઈશા ગુપ્તા તને ગુરુ ગણે છે... તારું શું માનવું છે?

જો ઈશા મને ગુરુ ગણતી હોય તો હું માનની લાગણી અનુભવું છું. તે સ્માર્ટ છે અને સારો અભિનય પણ કરી શકે છે. હકીકતમાં તો તેને કોઈ ગુરુની જરૂર જ નથી. તે બોલ્ડ અને બ્રેવ છે તેમ જ ફિલ્મમાં તેણે સારી ઍક્ટિંગ કરી છે.

તેં હાલમાં વરલીમાં દહીહંડીના કાર્યક્રમમાં હાજરી આપી હતી અને પછી માહિમની દરગાહની મુલાકાત લીધી હતી. તેં આ બન્ને જગ્યાએ તારી ફિલ્મનો પ્રચાર કેમ ન કર્યો?

હું બીજા લોકો કરતાં અલગ છું. હું આવી જગ્યાઓ પર જઈને ફિલ્મનો પ્રચાર કરવામાં નથી માનતો. આ ધાર્મિક સ્થળો છે અને મને ધર્મ તેમ જ મારા પ્રોફેશનને ભેગા કરવાનું નથી ગમતું. હું દહીહંડીમાં મારા ચાહકોને જ મળવા ગયો હતો, જ્યારે દરગાહની ઑથોરિટીએ પૂરતી સિક્યૉરિટીની ખાતરી આપતાં મેં ત્યાં જવાની મારી ઇચ્છા પૂરી કરી હતી.

તારી કરણ જોહર સાથેની ફિલ્મનું શું થયું?

આ ફિલ્મ ઑક્ટોબર કે નવેમ્બરમાં શરૂ થવાની છે અને ફિલ્મના બીજા કલાકારો વિશે મને કંઈ ખબર નથી.

તું બીજા કયા પ્રોજેક્ટ્સમાં કામ કરી રહ્યો છે?

‘ઘનચક્કર’માં હું તાળું તોડવામાં ઉસ્તાદ એવા ઠગનો રોલ ભજવી રહ્યો છું. ફિલ્મમાં હું બૅન્ક લૂંટું છું અને પછી મુસીબતમાં આવી જાઉં છું. ‘એક થી ડાયન’માં હું જાદુગરનો રોલ કરી રહ્યો છું અને એના માટે હું થોડો જાદુ પણ શીખ્યો છું. આ ફિલ્મ લગભગ પૂરી થઈ ગઈ છે અને એમાં ત્રણ દિવસનું શૂટિંગ જ બાકી છે.