“હું ઇચ્છું છું કે દીપિકા સાથે મારી મિત્રતા આજીવન રહે”

18 October, 2011 05:33 PM IST  | 

“હું ઇચ્છું છું કે દીપિકા સાથે મારી મિત્રતા આજીવન રહે”

તારી ફિલ્મ ‘રૉકસ્ટાર’ ૭૦ કરોડ રૂપિયાનું બજેટ ધરાવે છે તો એની સફળતાની ચિંતા તને વધારે હશે...

મને ફિલ્મની કૉસ્ટની ખબર નથી. મને એમ પણ લાગે છે કે આ આંકડો ખોટો છે. હું તો ‘રૉકસ્ટાર’ને ઇમ્તિયાઝ અલીની કક્ષાની ટૅલન્ટ સાથે કામ કરવાની એક તક તરીકે જોઉં છું. કરીઅરની શરૂઆતનાં વષોર્માં જ આ પ્રકારનો રોલ મને ઑફર થયો છે. અમે પોતાને ફિલ્મ માટે સમર્પિત કર્યા હતા અને ક્યારે એ શરૂ થઈ તથા ખતમ થઈ એની ખબર જ નથી પડી.

તેં કહ્યું હતું કે તું ટૂંક સમયમાં જ ડિરેક્ટર બનવા માગે છે...

હું ફિલ્મ બનાવવા માટે ઘણો એક્સાઇટેડ છું અને હું ત્યારે તો ફિલ્મ નહીં જ બનાવું જ્યારે મારી ઍક્ટિંગ-કરીઅરના ખરાબ દિવસો ચાલી રહ્યા હોય. જોકે મને લાગે છે કે ડિરેક્શન માટે હું ઘણો અપરિપક્વ છું. મારી પાસે ઘણા આઇડિયા છે, પણ હું સારું લખી નથી શકતો. હું એ બાબતે તો ચોક્કસ જ છું કે બેથી ત્રણ વર્ષમાં હું ફિલ્મમેકિંગમાં જોડાઈશ.

બૉલીવુડમાં તારી આ પ્લેબૉયની ઇમેજ કઈ રીતે બની?

મને નથી ખબર. ‘બચના અય હસીનોં’ બાદ હું એક અભિનેત્રી સાથે પ્રેમમાં હતો અને બધા અમારા સંબંધો વિશે જ વાતચીત કરતા હતા. ત્યાર પછી લિન્ક-અપના ઘણા ખબરો આવ્યા અને મને આ ટૅગ આપવામાં આવ્યું છે.

હકીકતમાં દીપિકા સાથેના બ્રેક-અપ પછી તને આ ઇમેજ મળી હતી...

હોઈ શકે. જોકે હું આ બધી વાતોને એટલી ગંભીરતાથી નથી લેતો. ઘણા લોકોએ કહ્યું હતું કે હું હવેનો મોટો સ્ટાર છું અને એ પણ મેં એટલું સિરિયસ્લી નથી લીધું.

આ પ્રકારના ટૅગથી તને ખોટું લાગે છે?

પહેલાં લાગતું, પણ હવે મને કોઈ ફરક નથી પડતો. મને પહેલેથી જ ખબર છે કે હવે મને હંમેશાં કોઈ પણ નવી ઍક્ટ્રેસ સાથે લિન્ક-અપ કરવામાં આવશે. હું સિંગલ છું અને કોઈની સાથે જો ડિનર પર જવા માગું તો એમાં કંઈ ખોટું નથી ગણતો. મારા પેરન્ટ્સ શું થઈ રહ્યું છે એ બધાની જાણકારી રાખે છે.

આ ટૅગથી તારા પેરન્ટ્સ નાખુશ છે?

તેઓ હશે જ, પણ ક્યારેય મને એનો અનુભવ નથી કરાવતા. તેમને ખબર છે કે હું ઘણી મહેનત કરી રહ્યો છું. સિંગલ હોય એવા કલાકારોની સંખ્યા ઘણી ઓછી છે અને એટલે જ તેઓ મને મારી રીતે જીવવા દે છે. મારો ઉછેર ફિલ્મો સાથે સંકળાયેલા પરિવારમાં થયો છે અને આ ઇન્ડસ્ટ્રી કેવી છે એની મને જાણ છે. આજે જે હિટ છે તે જ ફિટ છે.

છોકરીઓ તરફથી તને જે અટેન્શન મળે છે એનાથી તું ખુશ છે?

હા, મારાં શર્ટ્સ અને કપડાં આટલી ભીડમાં ફાટી જાય તો મને એ પસંદ છે, ઑટોગ્રાફ્સ આપવા પણ પસંદ છે. એના માટે જ તો હું આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો છું.

અને તને એ તો સમજાય જ છે કે આવું હંમેશાં નથી રહેવાનું?

હા, મને ખબર છે કે આ એક ખતરનાક ઇન્ડસ્ટ્રી છે. અહીં ચડતા સૂરજને જ પ્રણામ કરવામાં આવે છે. તમારા પેરન્ટ્સ, મિત્રો અને તમે જેને ચાહો છો એ જ તમારા સાચા સાથીદારો છે. આ અટેન્શનના નશામાં ચૂર થનારા પણ ઘણા છે, પણ હકીકતથી દૂર જવામાં કોઈ ફાયદો નથી. મેં મારા પપ્પાનું સ્ટારડમ જોયું છે. તેઓ ૩૦ વર્ષ માટે ટોચ પર હતા અને પછી ઘરે બેસીને વિચારતા કે એ બધો સમય ક્યાં જતો રહ્યો? એમાંથી બહાર આવવું ઘણું અઘરું છે, પણ ડૅડ ફિલ્મો માટે ઘણું પૅશન ધરાવે છે અને એટલે જ આજે સારી ફિલ્મમાં નાના રોલ માટે પણ ના નથી પાડતા.

ઇમરાન ખાન સાથે તારી ઑન અને ઑફ ફ્રેન્ડશિપ વિશેના ખબરો કેમ હંમેશાં આવે છે?

હું તેને ઘણું માન આપું છું. તે ઘણો મૅચ્યોર છે, પણ અમે ક્યારેય અંગત મિત્રો નથી રહ્યા. પ્રતીક, શાહિદ, ઇમરાન અને હું એકબીજાને ઓળખીએ છીએ. અમને એકબીજાના હરીફો કહેવા એ વધુ પડતું છે. જોકે એને કારણે જ અમે વધુ મહેનત કરીએ છીએ. બધા ખાન પછીના સ્ટાર અમને ગણવામાં આવે છે અને એની જવાબદારી ખૂબ જ મોટી છે.

ટોચ પર રહેવું તારા માટે એટલું મહત્વનું છે?

માન મારા માટે સૌથી વધુ મહત્વ ધરાવે છે. મને એ ખબર નથી કે હું જ્યારે સેટ પર ન હોઉં ત્યારે શું કરવું. સેટ પર હું જીવું છું એવી અનુભૂતિ થાય છે. હું ક્યારેય મારી લાગણીઓને બહાર લાવનારો નથી રહ્યો, પણ ફિલ્મો મને એ તક આપે છે.

શું તેં ‘માય ફ્રેન્ડ પિન્ટો’માં કામ કરવાની ના પાડી હતી?

મને નથી લાગતું કે જે ફિલ્મોમાં મેં કામ કરવાની ના પાડી હતી એના વિશે મારે વાત કરવી જોઈએ, ભલે પછી એ હિટ જાય.

‘દેહલી બેલી’ની જેમ?

કદાચ, પણ હું મારી કરીઅરના ગ્રાફથી ખુશ છું.

તું દીપિકા પાદુકોણ સાથે કામ કરવાનો છે તો એ તમારા માટે કેટલું અઘરું હશે?

હું એ સમજું છું કે દીપિકા અને મારા પર કેટલો ભાર છે, કારણ કે લોકોને અમારા ભૂતકાળની ખબર છે. અમારે આ ભારને હળવો કરવાનો છે. અત્યારે અમારા સંબંધો ઘણા સારા છે. હું ઇચ્છું કે દીપિકા આજીવન મારી મિત્ર રહે. તે લાઇફમાં આગળ વધી છે અને હું પણ. જોકે તમે ક્યારેય અમુક લોકોને તમારા જીવનમાંથી કાઢી ન શકો, કારણ કે તેની સાથેનો તમારો સંબંધ ચાલ્યો નથી. દીપિકાને હું નાનપણથી ઓળખતો અને અમારો સંબંધ ઘણો સારો હતો. અમે પ્રેમમાં નથી એટલે હું તેનાથી દૂર રહેવાની કોશિશ નહીં કરું.

તો કરણ જોહરના ચૅટ-શોમાં તેની અને સોનમની કમેન્ટ્સ પછી શું થયું હતું?

મને ક્યારેય ખોટું લાગ્યું જ નહોતું. હું સોનમને નાનપણથી ઓળખું છું અને તે એક ડ્રામા-ક્વીન છે એ પણ જાણું છું, પણ હું હંમેશાં તેને પસંદ કરીશ. સોનમ જો મને સેક્સી નથી ગણતી તો તેને જાહેરમાં બોલવાનો હક છે.

સાંભળ્યું છે કે તારા પપ્પા તારા સૌથી મોટા ક્રિટિક છે?

પપ્પા હંમેશાં જે મનમાં હોય એ બોલનારા રહ્યા છે. તેમણે ‘અન્જાના અન્જાની’ જોઈ નથી, કારણ કે તેમને ટ્રેલર્સ પસંદ નહોતાં પડ્યાં. આ કારણે જ મને જાણ થઈ કે કઈ પ્રકારની ફિલ્મો કરવી જોઈએ. મારા પર્ફોર્મન્સથી તેઓ અતિશય ખુશ થયા હોય એવું ક્યારેય નથી બન્યું. આશા છે કે તેમને ‘રૉકસ્ટાર’ પસંદ પડે.

- શુભા શેટ્ટી-સહા