બધાને એક્સપોઝ કરી દઈશ

24 May, 2025 07:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દીકરા અહાનની ઇમેજ ખરાબ કરતા રિપોર્ટ્‍સથી બરાબરનો ભડક્યો સુનીલ શેટ્ટી

સુનીલ શેટ્ટી અને દીકરો અહાન

સુનીલ શેટ્ટી તેનાં બાળકોને બહુ પ્રેમ કરે છે અને જ્યારે કોઈ તેનાં બાળકોને ટાર્ગેટ કરે ત્યારે તે એનો બરાબર જવાબ આપે છે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં સુનીલ શેટ્ટીએ જણાવ્યું છે કે મારા દીકરા અહાનને કારણ વગર ટાર્ગેટ કરવામાં આવે છે. સુનીલ શેટ્ટીએ આ ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે ‘મને બધું સમજાય છે. અહાનની ઇમેજ ખરાબ કરવા માટે નેગેટિવ આર્ટિકલ પબ્લિશ કરવામાં આવે છે. કેટલાક લોકો અહાનની ઇમેજ ખરાબ કરવા ઇચ્છતા હતા, પણ મેં અહાનને સમજાવ્યું કે હાલમાં તારે માત્ર તારા કામ પર અને ‘બૉર્ડર 2’ના શૂટિંગ પર ધ્યાન આપવાનું છે. અહાને આ ફિલ્મ માટે ઘણી બાબતો છોડી દીધી છે. તેને ઘણી ફિલ્મોમાંથી બહાર કરવામાં આવ્યો હતો અને ઘણા આરોપ લગાવવામાં આવ્યા હતા. એના વિશે એવી અફવા ફેલાવવામાં આવી છે કે તે શૂટિંગ પર મોંઘા બોડીગાર્ડ્સ સાથે આવે છે. જો આગળ આ બધું વધશે તો હું એક પ્રેસ-કૉન્ફરન્સ બોલાવીશ અને બધાને એક્સપોઝ કરી દઈશ.

મેં અહાનને એક વાત સમજાવી દીધી છે કે એ પછી તું કોઈ ફિલ્મ કરે કે ન કરે, પરંતુ આ ફિલ્મ ચોક્કસ કરશે. આ ફિલ્મ માટે લોકો તને વર્ષો સુધી યાદ કરશે. ૨૬ જાન્યુઆરી અને ૧૫ ઑગસ્ટે તો તું આ ફિલ્મ જોઈશ જ.’

અથિયા શેટ્ટીએ ફિલ્મી દુનિયાને કરી અલવિદા

ચર્ચા હતી કે અથિયા શેટ્ટીએ ફિલ્મી દુનિયાને અલવિદા કરી દીધું છે અને આ વાત તેના પિતા સુનીલ શેટ્ટીએ સ્વીકારી છે. એક ઇન્ટરવ્યુમાં સુનીલ શેટ્ટીએ કહ્યું છે કે ‘એક દિવસ અથિયાએ મને કહ્યું હતું, બાબા, હું ફિલ્મો કરવા નથી માગતી. અને તેણે નવો રસ્તો પસંદ કર્યો. તેણે સમાજની અપેક્ષાઓને બદલે પોતાના હૃદયની વાત સાંભળી.’ અથિયાએ ૨૦૧૫માં ‘હીરો’થી ડેબ્યુ કર્યું હતું અને તેની છેલ્લી ફિલ્મ ‘મોતીચૂર ચકનાચૂર’ ૨૦૧૯માં રિલીઝ થઈ હતી. આ છેલ્લા પ્રોજેક્ટ બાદ તેને ઘણી ફિલ્મોની ઑફર મળી, પરંતુ તેણે એને નકારી કાઢી હતી. તેણે ક્રિકેટર કે. એલ. રાહુલ સાથે લગ્ન કર્યાં છે અને ૨૪ માર્ચે દીકરીને જન્મ આપ્યો છે.

suniel shetty ahan shetty athiya shetty bollywood buzz bollywood news bollywood entertainment news