"રજની માટે હું કંઈ પણ કરવા તૈયાર"

14 December, 2011 09:33 AM IST  | 

"રજની માટે હું કંઈ પણ કરવા તૈયાર"



રજનીકાન્ત સોમવારે ૬૨મા વર્ષમાં પ્રવેશ્યા ત્યારે દર વર્ષની જેમ જ તેમને લાખો લોકોએ શુભકામનાઓ આપી હતી ત્યારે તેમાંના એક રજનીકાન્તના સૌથી મોટા હરીફ અને ખૂબ જ અંગત મિત્ર કમલ હાસન પણ હતા. રજનીકાન્ત અને કમલ હાસન સાઉથમાં વષોર્થી રાજ કરે છે અને તેમની ફિલ્મો એકબીજાના રેકૉર્ડ્સ તોડે છે, પણ કમલ હાસન જ્યારે રજનીકાન્ત વિશે વાતચીત કરે છે ત્યારે તેઓ રજનીકાન્ત માટે પોતાનો આદર, પ્રેમ અને તેમની સિદ્ધિઓનાં વખાણ જ કરે છે.

કમલ હાસન કહે છે, ‘અમે એકબીજાના વષોર્થી મિત્રો છીએ અને જ્યારે પણ સાથે હોઈએ ત્યારે અંગત મિત્રોની જેમ જ રહીએ છીએ. શૂટિંગના શેડ્યુલમાં હોઈએ કે ફ્રી સમય હોય, અમે એકબીજા સાથે વિતાવવાનો સમય કાઢી જ લઈએ.’

રજનીકાન્ત સાથે કમલ હાસને લગભગ દસથી પણ વધુ ફિલ્મો કરી છે અને આ અનુભવ વિશે તેઓ કહે છે, ‘અમારી લગભગ તમામ ફિલ્મો સફળ જ રહી છે, પણ અમુકમાં નિષ્ફળતા પણ મળી છે. અમારા ગુરુ કે. બાલાચંદર માટે પણ એકસાથે ત્રણ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. મેં તેમની ફિલ્મોમાં ગેસ્ટ રોલ પણ કર્યા છે. રજની માટે કંઈ પણ કરવાનું આવશે તો હું કરીશ, તેને ના પાડવાનો કોઈ અવકાશ જ નથી.’

જોકે કમલ હાસન માને છે કે તેમનામાં હરીફાઈની કોઈ નકારાત્મક અસર ન હોય, પણ તેમના ચાહકોમાં તો છે જ. તેઓ કહે છે, ‘અમારા ચાહકો વચ્ચે પહેલાં તો હિંસક ઝઘડાઓ થતા. જોકે અમે જ તેમને સમજાવ્યા હતા કે અમારી વચ્ચે કોઈ એવી હરીફાઈ નથી અને એ કારણે આ હિંસા હવે ઘટી છે. મેં મારી ફૅન-ક્લબને એક સોશ્યલ સર્વિસ ઑર્ગેનાઇઝેશનમાં ફેરવી નાખ્યું છે અને એનાથી પણ ઘણી અસર થઈ છે.’

એક ઍક્ટર તરીકે રજનીકાન્ત વિશે તેઓ કહે છે, ‘રજની સાચે જ અદ્ભુત છે. અમે બન્નેએ યુવાનીમાં કામ શરૂ કર્યું હતું અને અમારી પાસે કોઈ એવું બૅકગ્રાઉન્ડ નહોતું જેના આધારે અમને આસાનીથી કામ મળી શકે. રજની એક બસ-કન્ડક્ટર હતા અને હું ક્લૅપર બૉય, પણ અમારામાં ઍક્ટિંગ કરવાની ધગશ પૂરેપૂરી હતી.’

રજનીકાન્ત સાથે કામ કરવા વિશે તેઓ કહે છે કે એ બધું સ્ક્રિપ્ટ પર આધારિત હોય, પણ સારો પ્રોજેક્ટ હશે તો તેઓ કામ કરશે જ.

વિશેષ મિત્રતાનો પાયો

એક ઘટનાને યાદ કરતાં કમલ હાસન કહે છે, ‘અમારી કરીઅરની શરૂઆતમાં એક ઘટના એવી બની હતી જ્યારે અમે બાઇક પર જતા હતા અને ભાર વધારે હતો ત્યારે બાઇક થોડી બૅલેન્સની બહાર થઈ હતી. બાઇક હું ચલાવતો હતો અને મેં રજનીને કહ્યું હતું કે હું તેમને પડવા નહીં દઉં. વર્ષો પછી થોડા સમય પહેલાંની એક ઇવેન્ટમાં રજનીએ આ ઘટના યાદ કરીને કહ્યું હતું કે ‘કમલે પોતાનું વચન પાળ્યું. હું જ્યારે થાકી-હારીને બધું છોડીને ચાલ્યો જવા માગતો હતો ત્યારે કમલે જ મને આશ્વાસન આપ્યું હતું. આ કારણે જ અમે આ ઉંમરે પણ સાથે કામ કરવા માટે ઘણા ઉત્સુક છીએ અને ઘણા વષોર્થી એ વિશે વાતચીત કરીએ છીએ. જોકે અમારી પાસેથી કેવી આશા રહે એ વિચારીને પણ ચિંતા થાય છે.’