19 December, 2025 11:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સેલિના જેટલી
સેલિના જેટલી હાલમાં પોતાની વ્યક્તિગત જિંદગીને કારણે ચર્ચામાં છે. તેણે પોતાના પતિ પીટર હાગ સામે ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો છે અને તે ડિવૉર્સ લઈ રહી છે. સેલિના હવે ભારત પાછી આવી ચૂકી છે અને તેણે પોતાના લગ્નજીવન વિશે ખુલ્લેઆમ વાત કરી છે. હાલમાં તેણે એક ઇન્ટરવ્યુમાં પોતાના ડિવૉર્સ વિશે વાત કરતાં કહ્યું હતું કે તે પોતાની લડત સંપૂર્ણ ગૌરવ અને આત્મસન્માન સાથે લડશે.
પોતાની લાગણી રજૂ કરતાં સેલિનાએ કહ્યું હતું કે ‘સોશ્યલ મીડિયા પર જે દેખાય છે એ વાસ્તવિક જિંદગીનો માત્ર એક નાનો ભાગ હોય છે. બહારની દુનિયામાં આ વાત સામે આવે એનાં ઘણાં વર્ષો પહેલાંથી હું આ ખરાબ લગ્નજીવન સામે લડી રહી હતી. અન્ય મહિલાઓની જેમ હું પણ મારાં બાળકો માટે બધું સામાન્ય રાખવાની કોશિશ કરતી હતી, પરંતુ હકીકતમાં એ ખૂબ જ મુશ્કેલ હતું.’
પોતાના પ્રયાસો વિશે વાત કરતાં સેલિનાએ કહ્યું હતું કે ‘મારા પરિવારને એકસાથે રાખવાની કોશિશ કરવાનો મને કોઈ અફસોસ નથી, કારણ કે મારી ભાવના હંમેશાં સાચી હતી. મારાં માતા-પિતાને ગુમાવ્યા બાદ હું બધાથી દૂર થવાની બાબતે ઘણી અસુરક્ષિત બની ગઈ હતી. મેં મારો ઇમોશનલ સપોર્ટ ગુમાવી દીધો હતો અને મારા પૈસા, મારી સ્વતંત્રતા અને સૌથી વધુ મારાં બાળકો ગુમાવવાનો મને ડર લાગતો હતો. હું તેમને એક સ્થિર ઘર આપવા માગતી હતી અને મને મારી જાત કરતાં પહેલાં આ બધું બચાવવું જરૂરી લાગતું હતું.’