"મારે બનાવવું છે બૉલીવુડમાં ખાસ સ્થાન"

08 October, 2012 06:25 AM IST  | 

"મારે બનાવવું છે બૉલીવુડમાં ખાસ સ્થાન"



રાની મુખરજીની બહુ ગાજેલી આગામી ફિલ્મ ‘ઐયા’માં તેનો હીરો છે પૃથ્વીરાજ. પૃથ્વીરાજ સાઉથનો બહુ જાણીતો હીરો છે, પણ હિન્દીમાં ‘ઐયા’ તેની પહેલી ફિલ્મ છે. ‘મિડ-ડે’ સાથેની ખાસ મુલાકાતમાં તે ‘ઐયા’માં કામ કરવાના અનુભવની અને બૉલીવુડમાં પોતાના આગામી આયોજનની વાત કરે છે.

સાઉથમાં છેલ્લા એક દાયકામાં ૭૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યા બાદ બૉલીવુડમાં કામ કરવા માટે ‘ઐયા’ની કેમ પસંદગી કરી?

મને ‘ઐયા’ની વાર્તા બહુ ગમી હતી. ફિલ્મમાં રાનીનું કૅરૅક્ટર મારા પર ફિદા થઈ જાય છે. આ એક નવા પ્રકારની ફિલ્મ છે અને જો મને આ ફિલ્મ મલયાલમમાં ઑફર થઈ હોત તો પણ મેં સાઇન કરી હોત. હું બૉલીવુડમાં મારું ખાસ સ્થાન બનાવવા માગું છું. બૉલીવુડ કોઈ પણ ઍક્ટરનું ટાર્ગેટ હોય છે. હું આશા રાખું કે મને અહીં પણ સાઉથની જેમ સારો અનુભવ થશે.

ફિલ્મમાં તારી સેક્સ અપીલને બહુ મહત્વ આપવામાં આવ્યું હોય એમ લાગે છે.

હું એવી ફિલ્મો નથી કરતો જેમાં મારે સારા દેખાવાનું ન હોય. ફિલ્મમાં મારું પાત્ર મહત્વનું છે. ‘ઐયા’ મને ઑફર થયેલી પહેલી હિન્દી ફિલ્મ નથી. આ પહેલાં પણ મને હિન્દી ફિલ્મો ઑફર થઈ હતી, પણ હું સોલો હીરોવાળી ફિલ્મ કરવા માગતો હતો. મને ‘ઐયા’નો મારો રોલ બહુ ગમ્યો હતો.

તેં ‘ઐયા’ માટે બૉડી બનાવવા બહુ મહેનત કરી છે તો શું હવે તું એની જાળવણી કરવાનો છે?

મેં પહેલી વાર કોઈ ફિલ્મ માટે આવી બૉડી નથી બનાવી. હું આવી બૉડી મારી બીજી ફિલ્મોમાં ન દેખાડી શકું. ઍક્ટર તરીકે મારે મારા લુકમાં સતત પરિવર્તન લાવવું પડે છે. યશરાજ ફિલ્મ્સની આગામી ફિલ્મ ‘આૈરંગઝેબ’માં મારો સાવ અલગ લુક છે. જોકે ઍક્ટરનો શારીરિક બાંધો મહત્વનો હોય છે, કારણ કે દર્શકની પહેલી નજર એના પર પડે છે.

રાનીની છેલ્લી અમુક ફિલ્મો હિટ નથી ગઈ, તો શું તને લાગે છે કે ‘ઐયા’થી એ સ્થિતિમાં કોઈ ફેરફાર થશે?

મેં રાનીની ફિલ્મો જોઈ છે. ભૂતકાળમાં તેણે હિટ ફિલ્મો આપી છે. તેની છેલ્લી ફિલ્મ ‘નો વન કિલ્ડ જેસિકા’ પણ હિટ જ હતી.

તારી પત્ની મિડિયા પ્રોફેશનલ છે તો તારા માટે લગ્ન અને પર્ફેક્ટ વુમનની વ્યાખ્યા શું?

હું મારા સપનાની રાણીને પરણ્યો છું. હું પર્ફેક્ટ વુમનની વ્યાખ્યા કરતી વખતે લુકને ધ્યાનમાં નથી લેતો. મેં મારી બેસ્ટ ફ્રેન્ડ સાથે લગ્ન કર્યા છે અને હું હંમેશાં માનું છું કે પત્ની પહેલાં તમારી સારી મિત્ર હોવી જોઈએ. મિત્રતા કોઈ પણ સંબંધને મજબૂત બનાવવા માટે જરૂરી પાયો છે. મારી પત્ની મિડિયા સાથે સંકળાયેલી હોવાને કારણે મને બીજાના સમયનો આદર કરવાની બરાબર ખબર પડે છે. મને લાગે છે કે પત્રકારો સમાજ માટે જરૂરી છે અને હું તેમનો આદર કરું છું.