21 December, 2025 10:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિકી કૌશલ
વિકી કૌશલ અને કૅટરિના કૈફ સાતમી નવેમ્બરે દીકરાનાં માતા-પિતા બન્યાં હતાં. દીકરાના જન્મ પછી વિકી હાલમાં પહેલી વખત મુંબઈની બહાર દિલ્હીમાં જોવા મળ્યો હતો. વિકીએ દિલ્હીમાં એક ઇવેન્ટમાં હાજરી આપી હતી અને આ ઇવેન્ટમાં જ તેણે પિતા બન્યા પછીની પોતાની જિંદગી અને બદલાયેલી જવાબદારી વિશે વાત કરી હતી.
આ ઇવેન્ટમાં વિકીને સવાલ કરવામાં આવ્યો કે ઍક્ટિંગ અને ડાન્સમાં એક્સપર્ટ બન્યા પછી શું તેણે ડાયપર બદલવાનું પણ શીખી લીધું છે? આ સવાલ પર હસતાં-હસતાં જવાબ આપતાં વિકીએ કહ્યું કે ‘હવે હું ઍક્ટિંગ કરતાં ડાયપર બદલવામાં વધારે એક્સપર્ટ બની ગયો છું. પપ્પા બન્યા પછી હું પહેલી વખત મુંબઈની બહાર નીકળ્યો છું અને દીકરાને છોડીને મુંબઈની બહાર જવાનું કામ બહુ મુશ્કેલ છે. જોકે એક દિવસ જ્યારે મારો દીકરો આ બધું જોશે ત્યારે તેને પોતાના પિતા પર ગર્વ થશે. પિતા હોવાનો અર્થ શું છે એ શબ્દોમાં વ્યક્ત કરવું મારા માટે મુશ્કેલ છે.’