મારી ફિલ્મો સારી ન ચાલતી હોવાથી કંઈક અલગ કરવાનું વિચાર્યું હતું : શાહિદ

10 December, 2019 10:43 AM IST  |  Mumbai

મારી ફિલ્મો સારી ન ચાલતી હોવાથી કંઈક અલગ કરવાનું વિચાર્યું હતું : શાહિદ

શાહિદ કપૂર

એક સમય એવો હતો જ્યારે શાહિદ કપૂરને વિચાર આવ્યો હતો કે તેની ફિલ્મો સારી ન ચાલતી હોવાથી કંઈક અલગ વસ્તુ કરે. જોકે આ વર્ષે ‘કબીર સિંહ’ દ્વારા શાહિદે ધમાકેદાર હિટ આપી છે. પોતાની પાછલી ફિલ્મો વિશે શાહિદે કહ્યું હતું કે ‘મારી ફિલ્મો જ્યારે બૉક્સ-ઑફિસ પર કંઈ ખાસ કમાલ નહોતી દેખાડતી ત્યારે મને વિચાર આવ્યો હતો કે હું કંઈક અલગ કામ કરું. આવો તબક્કો દરેકના જીવનમાં આવે છે જ્યારે તમે એમ વિચારો છો કે કેમ મારી સાથે સારું ન થયું? શું મેં કંઈ ખોટું કામ કર્યું છે?’
શાહિદ ‘જર્સી’માં દેખાવાનો છે. ‘કબીર સિંહ’ બાદ તેણે નક્કી કર્યું હતું કે તે કોઈ રીમેકમાં કામ નહીં કરે. જોકે તેલુગુ સ્પોર્ટ્સ-ડ્રામા ‘જર્સી’ને જોયા બાદ તેણે આ ફિલ્મની હિન્દી રીમેકમાં કામ કરવાનું નક્કી કરી લીધું. આ ફિલ્મને ગૌતમ તિનાનુરી ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મ ૨૦૨૦ના ઑગસ્ટમાં રિલીઝ થશે. આ ફિલ્મ એક નિષ્ફળ ક્રિકેટરની સ્ટોરી પર આધારિત છે. ફિલ્મ વિશે જણાવતાં શાહિદે કહ્યું હતું કે ‘મારે ઓરિજિનલ ફિલ્મ કરવી હતી એથી લોકો એમ ન વિચારે કે હું માત્ર રીમિક્સ જ કરું છું. જોકે મેં જ્યારે આ ફિલ્મ જોઈ ત્યારે એ મારા દિલને સ્પર્શી ગઈ હતી. એ ફિલ્મ જોતી વખતે હું ચાર વખત રડ્યો હતો. આ ફિલ્મનું કૅરૅક્ટર કબીર સિંહ કરતાં અલગ છે. તે શાંત, અંતર્મુખી વ્યક્તિ છે. જોકે તેની જર્નીએ મને ખૂબ પ્રેરિત કર્યો હતો. મને લાગ્યું કે મારે આ સ્ટોરી લોકો સુધી પહોંચાડવી જરૂરી છે, કારણ કે હું પણ એ સ્થિતિમાંથી પસાર થયો હતો જ્યારે એમ લાગ્યું કે કંઈ અન્ય વસ્તુ પર હાથ અજમાવું, આમાં સફળતા નથી મળી રહી. ‘કબીર સિંહ’ બાદ હું એમ વિચારતો હતો કે કઈ ફિલ્મ કરું? દર્શકો મારી પાસે શું અપેક્ષા રાખી રહ્યા છે? શું હું તેમની આશાઓ પર ખરો ઊતરીશ, કારણ કે લોકોએ મને ભરપૂર પ્રેમ આપ્યો છે. એવો પ્રેમ મને કદી પણ નથી મળ્યો એથી હું કંઈ નથી કહી શકતો.’