29 May, 2024 11:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મનીષા કોઇરાલા
મનીષા કોઇરાલાએ થોડા સમય માટે ગાયબ થઈ જવાની ઇચ્છા વ્યક્ત કરી છે. કૅન્સરને માત આપી ચૂકેલી મનીષા હાલમાં જ સંજય લીલા ભણસાલીની ‘હીરામંડી : ધ ડાયમન્ડ બાઝાર’માં જોવા મળી છે. જોકે આ વેબ-શોમાં કામ કર્યા બાદ તે હવે તમામ સ્ટ્રેસથી દૂર થવા માગે છે. આ વિશે વાત કરતાં મનીષા કહે છે, ‘મારે થોડા સમય માટે ગાયબ થઈ જવું છે. મારે કશેક જતા રહેવું છે. મારે મારી હેલ્થ પર ધ્યાન આપવું છે. હું કોઈ વેલનેસ રિટ્રીટ સેન્ટર શોધી રહી છું. મારે હેલ્ધી ભોજન કરવાની સાથે જિમ અને પ્રાણાયામ પર ફોકસ કરવું છે. મારે મારી રેગ્યુલર લાઇફમાં જવું છે. છેલ્લાં ત્રણ વર્ષ ફક્ત ‘હીરામંડી’ માટે હતાં. એની રિલીઝને લઈને અમે ખૂબ જ ટેન્શનમાં હતાં. જોકે હવે હું તમામ સ્ટ્રેસથી દૂર થવા માગું છું અને ફૂલોની સુગંધની વચ્ચે રહેવાની ઇચ્છા છે. હું કેવી વાત કરી રહી છું એવું લાગશે, પરંતુ મારે થોડા સમય માટે બધી વસ્તુથી દૂર રહેવું છે.’