મારો દીકરો પહેલી વાર પપ્પા બોલ્યો ત્યારે હું હાજર નહોતો... મારા માટે એ વેક-અપ કૉલ હતો

09 February, 2026 01:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મોમાંથી બ્રેક લેવાનું કારણ જણાવતાં વિક્રાન્ત મેસીએ કહ્યું....

વિક્રાન્ત મેસી

વિક્રાન્ત મેસીએ ૨૦૨૪ના ડિસેમ્બરમાં એક પોસ્ટ શૅર કરીને અચાનક ઍક્ટિંગથી બ્રેક લેવાની જાહેરાત કરી હતી. તેની આ પોસ્ટથી માત્ર ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં જ નહીં, ચાહકો વચ્ચે પણ ભારે ચર્ચા શરૂ થઈ ગઈ હતી. ‘12th ફેલ’ની શાનદાર સફળતા બાદ વિક્રાન્ત મેસીની રિટાયરમેન્ટ જેવા સંકેત આપતી પોસ્ટે સૌને ચોંકાવી દીધા હતા. જોકે સંન્યાસની ચર્ચા તેજ બનતાં જ વિક્રાન્તે સ્પષ્ટ કર્યું હતું કે તે રિટાયરમેન્ટ નહીં પરંતુ માત્ર કામમાંથી થોડો બ્રેક લેવા માગે છે.

હાલમાં એક ઇન્ટરવ્યુમાં વિક્રાન્ત મેસીએ પોતાના નિર્ણય પાછળનું કારણ સમજાવ્યું અને જણાવ્યું કે આ નિર્ણય પાછળ ભાવનાત્મક અને વ્યક્તિગત અફસોસ જોડાયેલા હતા. તેણે કહ્યું હતું કે ‘સોશ્યલ મીડિયા પર મેં મર્યાદિત શબ્દોમાં બધી માહિતી આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હવે સમજાય છે કે આખી વાત પહોંચી નહીં. મારી વાતોને ઘણી હદ સુધી ખોટી રીતે સમજવામાં આવી. હું માત્ર થોડો આરામ કરવા માગતો હતો. એ સમયે હું ગંભીર તનાવમાંથી પસાર થઈ રહ્યો હતો. અમે ફિલ્મોમાં બહુ ભાવનાઓ લગાવી દઈએ છીએ. એમાં એ નથી જોવાતું કે તમે ૧૨, ૧૪ કે ૧૬ કલાક કામ કરો છો. એક અભિનેતા કે કલાકાર તરીકે અમે અમારી ફિલ્મો માટે બધું જ સમર્પિત કરી દઈએ છીએ. ‘12th ફેલ’ માટે તેમ જ ‘સાબરમતી એક્સપ્રેસ’ અને ‘સેક્ટર ૨૬’ માટે પણ હું આભારી છું. મેં મારી ફિલ્મો ફરી જોઈ અને સમજાયું કે હવે મારે પોતાને એક સ્તર પર લઈ જવાની જરૂર છે, કારણ કે કેટલીક ફિલ્મોમાં મારા પર્ફોર્મન્સમાં ખાસ ફેરફાર લાગ્યો નહીં. એટલે મને લાગ્યું કે થોડું હોમવર્ક કરવું જરૂરી છે.’

વિક્રાન્તે આ જાહેરાત પછી લગભગ ૭ મહિનાનો બ્રેક લીધો હતો અને આ સમય દરમ્યાન ઘણું આત્મમંથન કર્યું હતું. તેણે કહ્યું હતું કે ‘મને અહેસાસ થયો કે જેના માટે તમે મહેનત કરો છો એ પળોનો આનંદ જો લઈ ન શકો તો સફળતાનો શું અર્થ? મેં મારા દીકરા સાથે સમય વિતાવ્યો. જ્યારે મારા દીકરાનો જન્મ થયો ત્યારે તેની યાદ તરીકે મારી પાસે માત્ર બે વિડિયો હતા જે મારી પત્નીએ મોકલ્યા હતા. જ્યારે તેણે પહેલી વાર ‘પાપા’ કહ્યું ત્યારે હું ત્યાં હાજર નહોતો. એ મારા માટે વેક-અપ કૉલ હતો. મને લાગ્યું કે એટલી મહેનત અને સિદ્ધિનો શું ફાયદો જ્યારે મારો દીકરો ‘પાપા’ કહે અને હું એ સાંભળવા ત્યાં ન હોઉં. જ્યારે તેણે ચાલવાનું શરૂ કર્યું ત્યારે મને લાગ્યું કે કામ તો ચાલતું રહેશે, પરંતુ આ પળો પાછી આવવાની નથી.’

vikrant massey entertainment news bollywood bollywood news bollywood gossips bollywood buzz