"જીવનમાં ભૂલો કરવી પણ જરૂરી છે"

25 September, 2012 05:31 AM IST  | 

"જીવનમાં ભૂલો કરવી પણ જરૂરી છે"



અંગત જીવનમાં ડિવૉર્સ લીધા પછીના ભારે મુશ્કેલીભર્યા સમયમાંથી પસાર થઈ રહી હોવા છતાં ૪૨ વર્ષની મનીષા કોઇરાલા આજે પણ અનહદ ખૂબસૂરત અને આકર્ષક લાગે છે. જીવનમાં ઘણા ચડાવ-ઉતાર જોઈ ચૂકેલી મનીષાએ ફરી ફિલ્મોમાં ઍક્ટિંગ કરવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું છે. મનીષા ટૂંક સમયમાં રામગોપાલ વર્માની ‘ભૂત ૨’થી બૉલીવુડમાં પુનરાગમન કરી રહી છે ત્યારે પોતાના જીવન સાથે સંકળાયેલી વાતોની ‘મિડ-ડે’ સાથે વાતચીત કરી હતી.

તને આજના રામુમાં ડિરેક્ટર તરીકે શું ફેરફાર આવ્યો હોય એમ લાગે છે?

અમે છેલ્લે ‘કંપની’માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં સાથે કામ કરતી વખતે અમને ભાગ્યે જ એકબીજા સાથે વાત કરવાની તક મળી હતી. ‘ભૂત ૨’ના શૂટિંગ વખતે અમને સારોએવો સમય સાથે ગાળવા મળ્યો હતો. મને તો હજી રામુ પહેલાં જેવા જ પોતાના કામ પ્રત્યે ફોકસ્ડ લાગે છે. મને તેમની આદત અને કામ બન્ને પસંદ છે.

શું ‘ભૂત ૨’ને તારી કમબૅક ફિલ્મ ગણી શકાય?

હું તો એને કમબૅક ફિલ્મ નહીં ગણું, કારણ કે હજી મેં ગયા વર્ષે જ ઓનિરની ‘આઇ ઍમ’માં કામ કર્યું છે.

શ્રીદેવી, માધુરી દીક્ષિત અને રવીના ટંડન પણ કમબૅક કરી રહી છે મને લાગે છે કે આ બધી જ હિરોઇનો બહુ પ્રતિભાશાળી હતી. મને શ્રીદેવીનું કામ ગમે છે અને મેં તેની આગામી ફિલ્મ ‘ઇંગ્લિશ વિંગ્લિશ’નું ટ્રેલર જોયું છે. તે બહુ જ સુંદર દેખાય છે. મારે એ ફિલ્મ જોવી છે.

તું શું કામ મેઇન-સ્ટ્રીમ સિનેમાથી દૂર જતી રહી હતી?

મારો એમાં રસ ઓછો થવા લાગ્યો હતો. કેટલાક લોકો જે કરતા હોય એ જ આખી જિંદગી કરવામાં સંતોષ માનતા હોય છે. મને નવી-નવી વસ્તુઓ કરવાનું અને નવી શક્યતાઓ તપાસવાનું પસંદ છે. આ જ કારણસર મેં બ્રેક લઈને ન્યુ યૉર્કમાં ફિલ્મમેકિંગનો ર્કોસ કરવાનું પસંદ કર્યું હતું. જોકે એ વાત અલગ છે કે મેં હજી સુધી એનો કોઈ ઉપયોગ નથી કર્યો.

તો શું તું ડિરેક્ટર બનવાનું વિચારી રહી છે?

મને કેટલીક ફિલ્મો ઑફર થઈ છે જે વિશે હું ટૂંક સમયમાં નિર્ણય લઈશ.

તેં બૉલીવુડમાં બે દાયકા પસાર કર્યા છે, હવે કોઈ અફસોસ છે?

હું માનું છું કે બીજાની સૂચનાઓનું પાલન કરવા કરતાં પોતાની રીતે ભૂલ કરવી વધારે સારી. મારી કરીઅરના મામલે મને ઘણો અફસોસ છે. એવી ઘણી ફિલ્મો છે જે મારે કરવી જોઈતી હતી પણ મેં નહોતી કરી. મને ‘દિલ તો પાગલ હૈ’ અને એવી બીજી સારા ડિરેક્ટરોની અનેક ફિલ્મો ઑફર થઈ હતી, પણ મેં મૂર્ખામી કરીને ત્યારે એમાં કામ ન કરવાનો નિર્ણય લીધો હતો.

અત્યારે તારો ફેવરિટ ઍક્ટર કોણ?

મારા મનમાં પહેલું નામ રણબીર કપૂરનું આવે છે. તેણે નાની ઉંમરમાં બહુ સારી ઍક્ટિંગની રેન્જ દેખાડી છે. ‘વિકી ડોનર’નો આયુષ્યમાન ખુરાના પણ ટૅલન્ટેડ લાગે છે.

અને હિરોઇનો?

વિદ્યા બાલન બ્રિલિયન્ટ છે અને પરિણીતી ચોપડા પણ પ્રૉમિસિંગ છે.