"મને ઑફર થતું દરેક કામ મારે નથી કરવું"

18 October, 2012 05:32 AM IST  | 

"મને ઑફર થતું દરેક કામ મારે નથી કરવું"



ઊર્મિલા માતોન્ડકર છેલ્લાં ચાર વર્ષથી કોઈ હિન્દી ફિલ્મમાં જોવા નથી મળી. પોતાની મોટા ભાગની ફિલ્મોમાં સેક્સી અને ગ્લૅમરસ રોલ કરનારી ઊર્મિલાએ ડિરેક્ટર નિખિલ અડવાણીની આગામી ફિલ્મમાં દીપડીના કૅરૅક્ટર માટે અવાજ આપ્યો છે. ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં તે પોતાના કામ કરવાના આ અનુભવ વિશે અને અત્યારના ફિલ્મ-જગત વિશે વાત કરે છે.

તું હવે શું કામ ફિલ્મોમાં નથી દેખાતી?

મેં ભૂતકાળમાં જે પ્રકારનું કામ કર્યું છે એને ધ્યાનમાં રાખીને હું મને ઑફર થાય એ બધું અને ગમે તેવું કામ ન કરી શકું. સતત ફિલ્મો કર્યા કરવી ક્યારેય મારો ઉદ્દેશ નથી રહ્યો તો પછી હવે હું શા માટે આવી રીતે કામ કરું?

આ વર્ષે બૉલીવુડમાં ઘણી જૂની હિરોઇનોએ કમબૅક કર્યું છે...

મને કમબેક શબ્દ સામે વાંધો છે. ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં આ શબ્દનો યોગ્ય અર્થ નથી થતો.

તને લાગે છે કે અત્યારની હિરોઇનોને પહેલાંની હિરોઇનો કરતાં વધારે લાભ મળે છે?

દરેક તબક્કાનો ફાયદો અને નુકસાન બન્ને હોય છે. અત્યારે કેટલીક બહુ સારી ફિલ્મો બની છે અને કેટલીક શ્રેષ્ઠ ફિલ્મો પહેલાંના સમયમાં બની છે. અમારા સમયમાં પણ એવાં અમુક પાત્રો હતાં જેને ભજવવાની આજની હિરોઇન હિંમત ન કરી શકે.

પહેલાંની ઊર્મિલા અને અત્યારની ઊર્મિલામાં કોઈ તફાવત છે?

બિલકુલ નહીં. પહેલાંની જેમ આજે પણ મારી સાથે કામ કરવું બહુ સરળ છે. હું ક્યારેય મારા સ્ટાર હોવાની વાતને ગંભીરતાથી નથી લેતી. આ દુનિયામાં કોઈ વસ્તુ સ્થાયી નથી અને તમને જેટલો જલદી આ વાતનો અહેસાસ થઈ જાય એટલું જ તમારા માટે સારું છે.

દીપડીના પાત્ર માટે અવાજ આપવાનો અનુભવ કેવો રહ્યો?

એ જંગલની રાણી છે અને બહુ સ્ટ્રૉન્ગ છે. એ સ્ટ્રૉન્ગ તો છે જ પણ સાથે-સાથે એની પાસે ભરપૂર સત્તા છે.

તુ રિયલ લાઇફમાં પણ સત્તાવાહી છે?

નિખિલે મને જણાવ્યું હતું કે તેને દીપડીના પાત્ર માટે કુદરતી રીતે આદર અને સત્તાવાહીપણું ધરાવતા હોય એવા અવાજની શોધ હતી. મને ત્યારે ખબર ન પડી કે તે મારાં વખાણ કરી રહ્યો છે કે મારી ટીકા કરી રહ્યો છે.