મેં મારી જાતને નિર્દોષ સાબિત કરવા બહુ જ મહેનત કરી છે

06 November, 2012 07:48 AM IST  | 

મેં મારી જાતને નિર્દોષ સાબિત કરવા બહુ જ મહેનત કરી છે



સુપ્રીમ કોર્ટે ફિલ્મ-મેકર મધુર ભંડારકર સામે ઍક્ટ્રેસ પ્રીતિ જૈને કરેલો જાતીય સતામણીનો કેસ રદ કરી દીધો છે. મધુર છેલ્લાં આઠ વર્ષથી આ કેસમાં પોતાની નિર્દોષતા સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને આ ચુકાદા પછી હવે તે પોતાને આઝાદ પંખી જેવો મુક્ત અનુભવી રહ્યો છે.

તને તો બહુ રાહત મળી હશે, નહીં?


મેં જ્યારે કોર્ટમાં આ ચુકાદો સાંભળ્યો ત્યારે મારા આનંદની કોઈ સીમા નહોતી રહી. હું બહાર આવીને કોર્ટના ખૂણામાં નાના બાળકની જેમ રોયો છું. હું છેલ્લાં આઠ વર્ષમાં આના કારણે ભારે યાતનામાંથી પસાર થયો છું. હવે લોકો મને આ ચુકાદા બદલ અભિનંદન આપે છે ત્યારે મને લાગે છે કે જાણે મારા પરથી બોજ હટી ગયો છે.

આ કેસને કારણે તારા ચારિત્ર પર શંકાઓ કરવામાં આવી રહી હતી...


એ વાત સાચી છે, પણ હું માનસિક રીતે બહુ મજબૂત વ્યક્તિ છું. આ આઠ વર્ષમાં મારી કરીઅરમાં પણ ઘણા ચડાવ-ઉતાર આવ્યા. જ્યારે આ સમાચાર જાહેર થયા ત્યારે હું ‘પેજ થ્રી’ બનાવી રહ્યો હતો અને મેં લોકોને મારી કરીઅર ખતમ થઈ ગઈ હોવાની ચર્ચા કરતા સાંભળ્યાં છે. જોકે હું આમાંથી બહુ સારી રીતે પસાર થયો અને પછી ત્રણ નૅશનલ અવૉર્ડ મેળવ્યા. મારા મિત્રો અને પરિવારજનોના ટેકાને કારણે હું મારી જાતને ટકાવી શકવામાં સફળ સાબિત થયો.

તારા અંગત જીવન પર આની કેવી અસર થઈ?


આ સમાચાર જાહેર થયા ત્યારે મારાં લગ્નને હજી છ મહિના જ થયા હતા એટલે અંગત જીવનમાં આનો સામનો કરવાનું મારા માટે સરળ નહોતું. જોકે મેં ક્યારેય પ્રયાસો કરવામાં પાછી પાની નથી કરી. મેં મારી જાતને નિર્દોષ સાબિત કરવા માટે બહુ મહેનત કરી છે. જો વ્યક્તિને પોતાની નિર્દોષતામાં શ્રદ્ધા હોય તો છેવટ સુધી લડાઈ લડવી જોઈએ.

તારી લેટેસ્ટ ફિલ્મ ‘હિરોઇને’ કમાણી તો સારી કરી છે, પણ એમાં તારા કામની નિંદા થઈ છે તો આ વિશે તારું શું માનવું છે?      


મને એનો કોઈ વાંધો નથી. હું એક માન્યતા સાથે ફિલ્મ બનાવું છું અને મારા કલાકારો મારી સાથે છે. મારી ફિલ્મના નિર્માતા પરિણામથી ખુશ છે. હજી કરીનાએ ત્રણ દિવસ પહેલાં જ મને કહ્યું છે કે તેને ‘હિરોઇન’ પછી જેવો પ્રતિભાવ મળ્યો છે એવો હજી સુધી કોઈ ફિલ્મ માટે નથી મળ્યો. હું બીજા પણ પ્રોજેક્ટ કરી રહ્યો છું અને મારી પાસે પૂરતું કામ છે. બીજું શું જોઈએ?