બેસ્ટ ફિલ્મો કરવાની મારામાં એક ગજબની ભૂખ છે : આયુષ્માન ખુરાના

17 November, 2019 09:30 AM IST  |  Mumbai

બેસ્ટ ફિલ્મો કરવાની મારામાં એક ગજબની ભૂખ છે : આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાનાને સારી ફિલ્મો કરવાની લાલસા છે. તેની હાલમાં રિલીઝ થયેલી ‘બાલા’ બૉક્સ-ઑફિસ પર ખૂબ ધમાલ મચાવી રહી છે. સારી ફિલ્મો કરવાની ઇચ્છા વ્યક્ત કરતા આયુષ્માને કહ્યું હતું કે ‘મારામાં બેસ્ટ ફિલ્મો કરવાની એક ગજબની ભૂખ છે. આ એક એવી બાબત છે જે સારી વસ્તુ માટે પ્રેરિત કરે છે, કઈંક નવી, સમસ્યાને વાચા આપતી ફિલ્મ બનાવવા માટે અને એક ઍક્ટર તરીકે મારી જાતને સારી બનાવવા માટે મને આકર્ષે છે. લોકો કહે છે કે તમે તમારી સફળતાથી ઘણું ખરૂ શીખો છો અને મારા હાલના સમય પાસેથી હું શીખ્યો છું કે મારે હંમેશાં સારા કન્ટેન્ટ વાળી ફિલ્મો કરવી છે. આ પ્રકારની ફિલ્મોની પસંદગી કરીને અને વિશેષ સ્ટોરીઝને સપોર્ટ કરવો જોઈએ કારણ કે ક્યાંક ને ક્યાંક મારી સિનેમાની બ્રૅન્ડ એક એવો પર્યાય બની ગઈ છે કે હું હંમેશાં હટકે ફિલ્મો કરું છું.’
‘વિકી ડોનર’થી બૉલીવુડમાં એન્ટ્રી કરનાર આયુષ્માને અનેક હટકે અને લોકોનું ધ્યાન આકર્ષે એવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેની અત્યાર સુધી રિલીઝ થયેલી ફિલ્મોમાંથી ૯ ફિલ્મો શાનદાર સાબિત થઈ છે. તેની ફિલ્મો લોકોને ગમે છે એવુ જણાવતાં આયુષ્માને કહ્યું હતું કે ‘મારા માટે એ ખરેખર અદ્ભુત લાગણી છે કે મારી ફિલ્મો દેશનાં લોકોને પસંદ પડે છે. મારી ફિલ્મોને બૉક્સ-ઑફિસ પર જે સફળતા મળે છે એનાથી મારી જવાબદારી વધી જાય છે કે હું સારું કામ કરું. સાથે જ દેશનાં લોકોને સારુ મનોરંજન પૂરુ પાડું. ફિલ્મોને મળતી સફળતા એ વાતનું પ્રમાણ છે કે મારી ફિલ્મોની પસંદગી લોકોની પસંદગી સાથે મેળ ખાય છે, કેમ કે લોકો પણ થિએટર્સમાં એ જ જોવા માગે છે. સફળતાના કોઈ પણ પ્રકારના પ્રેશર વગર ઍક્ટર તરીકે પોતાની જાતને રજૂ કરવાની મને ફ્રીડમ મળી હોવાથી મારા માટે આ એક સારો સમય છે. આજે લોકો મારી ફિલ્મોને સારા સિનેમા તરીકે ગણતા હોય એ જ મારા માટે અગત્યનું છે.’

ayushmann khurrana