24 February, 2025 07:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અલ્લુ અર્જુન
અલ્લુ અર્જુને ‘પુષ્પા 2 : ધ રૂલ’માં પોતાની ઍક્ટિંગથી ફૅન્સનાં દિલ જીતી લીધાં છે. આ ફિલ્મના ‘ગંગમ્મા જાતરા’ સીનમાં તેણે સાડી પહેરીને દમદાર પર્ફોર્મન્સ આપીને દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. હાલમાં અર્જુને એક ઇન્ટરવ્યુમાં પોતાના જાતરા સીન વિશે વાત કરી અને જણાવ્યું કે જ્યારે ફિલ્મમેકરે તેને પહેલી વખત આ સીન વિશે જણાવ્યું હતું ત્યારે તે ડરી ગયો હતો.
આ ઇન્ટરવ્યુમાં અલ્લુ અર્જુને જણાવ્યું કે ‘મને જ્યારે પહેલી વખત જાતરા સીન વિશે કહેવામાં આવ્યું ત્યારે હું ડરી ગયો હતો. એ પહેલાં મેં એક બહુ મૅચો (મર્દાનગીભર્યું) ફોટોશૂટ કર્યું હતું, પણ ડિરેક્ટર સુકુમારને એમાં બહુ મજા ન આવી. પછી તેમણે મને કહ્યું કે હું ઇચ્છું છું કે તું સાડી પહેરીને એક મહિલાની જેમ તૈયાર થા અને પછી આ સીન પર્ફોર્મ કરીને બતાવ. મેં ધીમે-ધીમે આ વિચારને અપનાવવાની શરૂઆત કરી, કારણ કે શરૂઆતમાં હંમેશાં ડર હોય છે અને પછી કંઈક સારું પરિણામ મળે છે. થોડા સમય પછી મને ખ્યાલ આવી ગયો હતો કે આ સીન ફિલ્મનો યુનિક સેલિંગ પૉઇન્ટ હશે અને એક ઍક્ટર તરીકે એને સારી રીતે પર્ફોર્મ કરવાનું ટાસ્ક મારા માટે પડકારજનક સાબિત થશે. મને ખબર પડી ગઈ હતી કે જો હું આ સારી રીતે કરી લઈશ તો મને બહુ પ્રતિષ્ઠા મળશે. જોકે મેં અને સુકુમારસરે એક વાત નક્કી રાખી હતી કે ભલે હું સાડી પહેરું, પણ મારો લુક મૅચો લાગવો જોઈએ.’