મેં પહેલેથી જ નક્કી કર્યું હતું કે ટૅલન્ટને હું પ્રાધાન્ય આપીશ: અનુષ્કા

27 June, 2020 09:18 PM IST  |  Mumbai | Harsh Desai

મેં પહેલેથી જ નક્કી કર્યું હતું કે ટૅલન્ટને હું પ્રાધાન્ય આપીશ: અનુષ્કા

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્માનું કહેવું છે કે પ્રોડક્શન-હાઉસની શરૂઆત કરતાં પહેલાં તેણે નક્કી કર્યું હતું કે તે હંમેશાં ટૅલન્ટને પ્રાધાન્ય આપશે. અનુષ્કાએ તેના પ્રોડક્શન-હાઉસ હેઠળ ઘણી ફિલ્મો બનાવી છે. તેણે અેમેઝોન માટેની વેબ-સિરીઝ ‘પાતાલ લોક’ અને નેટફ્લિક્સ માટેની ફિલ્મ ‘બુલબુલ’માં અન્ય ઍક્ટર્સને પસંદ કર્યા હતા. શાહરુખ ખાનની ‘રબ ને બના દી જોડી’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરનાર અનુષ્કા ૨૫ વર્ષની ઉંમરે પ્રોડ્યુસર બની ગઈ હતી. આ વિશે પૂછતાં અનુષ્કાએ કહ્યું હતું કે ‘બૉલીવુડમાં મારી મુસાફરી ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહી છે અને કર્ણેશ સાથેના મારા પ્રોડક્શન-હાઉસમાં મેં શીખેલી વાતોનો અમલ કરવાનું નક્કી કર્યું છે. મારા ડેબ્યુની શરૂઆતથી જ મેં ખૂબ જ મહેનત કરી હતી જેથી હું ઇન્ડિયાના બેસ્ટ ફિલ્મમેકર સાથે કામ કરી શકું. મારી ઇચ્છા હંમેશાં શ્રેષ્ઠ રાઇટર અને ડિરેક્ટર્સ સાથે કામ કરવાની હતી. હું જ્યારે 25ની ઉંમરે પ્રોડ્યુસર બની ત્યારે મેં નક્કી કર્યું હતું કે હું હંમેશાં ટૅલન્ટને તક આપીશ. જે લોકો તેમની ટૅલન્ટ દ્વારા પોતાની છાપ છોડવા માગતા હોય તેમને હું પ્રાધાન્ય આપીશ. ક્લીન સ્લેટ્સ પહેલેથી જ આવા પૅશનેટ લોકોને તેમની સ્ટોરી કહેવા માટે પ્રોત્સાહિત કરતું આવ્યું છે.’
અનુષ્કાના ભાઈ અને બિઝનેસ પાર્ટનર કર્ણેશ શર્માએ આ વિશે કહ્યું હતું કે ‘અમે જ્યારે ક્લીન સ્લેટની શરૂઆત કરી હતી ત્યારે અમે સતત ફ્રેશ ટૅલન્ટ, ઍક્ટર્સ, ડિરેક્ટર્સ અને ટેક્નિશ્યન સાથે કામ કરવાનું નક્કી કર્યું હતું અને અમે એ કરતા આવ્યા છીએ. ફ્રેશ ટૅલન્ટ હંમેશાં પ્રોજેક્ટમાં નવી એનર્જી લઈને આવે છે અને અમે હંમેશાં એ યથાવત રાખવા માગીએ છીએ. અમે હંમેશાં એક અનોખી સ્ટોરીને શોધમાં હોઈએ છીએ જે એક સ્ટેપ આગળ જઈને વાત કરતી હોય.’
તેમના પ્રોડક્શનને મળેલી સફળતા વિશે અનુષ્કાએ કહ્યું હતું કે ‘અમારા પ્રોજેક્ટ્સને જે પણ સફળતા મળી છે એના પર અમને ગર્વ છે. અમારા માટે સૌથી મહત્ત્વની વાત એ છે કે અમારો સ્ટુડિયો હંમેશાં ફ્રેશ ટૅલન્ટને શોધતો રહે છે. અમે જ્યાં સુધી નવા લોકોને તેમની વાત રજૂ કરવાની તક આપીશું ત્યાં સુધી બૉલીવુડમાં ફ્રેશનેસ જોવા મળશે.’

bollywood bollywood news bollywood gossips anushka sharma