સ્કૂલમાં મોહેંજો દારોના ચૅપ્ટર વખતે મને ખૂબ જ કંટાળો આવતો હતો : પૂજા હેગડે

14 July, 2016 06:20 AM IST  | 

સ્કૂલમાં મોહેંજો દારોના ચૅપ્ટર વખતે મને ખૂબ જ કંટાળો આવતો હતો : પૂજા હેગડે

મંગળવારે ફિલ્મની પ્રમોશનલ ઇવેન્ટમાં પૂજાએ કહ્યું હતું કે ‘મેં ‘મોહેંજો દારો’નું ચૅપ્ટર સ્કૂલમાં વાંચ્યું હતું અને કંટાળી ગઈ હતી. મને સપનામાં પણ ખ્યાલ નહોતો કે હું આ વિષય પર જ ફિલ્મ કરીશ. જોકે આજની જનરેશનને ઇતિહાસમાં ખૂબ જ રસ છે, નવી-નવી વાતો જાણવાનું તેમને ખૂબ જ ગમે છે.’

મોહેંજો દારોની સ્ક્રિપ્ટ બસો પાનાંમાંથી ૮૦ની થઈ ત્યારે જ મેં સાઇન કરેલી : હૃતિક

હૃતિક રોશનની ‘મોહેંજો દારો’ રોમૅન્ટિક-ઍક્શન અને પિરિયડ-ડ્રામા ફિલ્મ છે, પરંતુ આ ફિલ્મને હૃતિકે ત્યારે જ સાઇન કરી હતી જ્યારે એની સ્ક્રિપ્ટને ટૂંકાવી દેવામાં આવી હતી. મંગળવારે યોજાયેલી આ ફિલ્મની પ્રમોશનલ ઇવેન્ટમાં ફિલ્મની ઑફર કરવામાં આવી ત્યારે તેણે સૌથી પહેલાં શું વિચાર્યું હતું એ વિશે પૂછવામાં આવતાં હૃતિકે કહ્યું હતું કે ‘આ ફિલ્મ વિશે મારો પહેલો વિચાર એ હતો કે આશુતોષ ગોવારીકર મારો મિત્ર છે, તેણે મને ‘જોધા અકબર’ જેવી ફિલ્મ આપી હતી અને તે મને આવી બીજી ફિલ્મ આપી રહ્યો છે એ મારા માટે ખૂબ જ ખુશીની વાત છે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ જોયા બાદ તમે મારો બીજો વિચાર જાણવા નહીં માગતા હો, પરંતુ તેમ છતાં હું કહું છું કે મને સ્ટોરી ખૂબ જ પસંદ આવી હતી પણ આ ફિલ્મની સ્ક્રિપ્ટ બસો પાનાંમાંથી ૮૦ પાનાંની થાય ત્યાં સુધી મેં એને સાઇન કરવા માટે રાહ જોઈ હતી. ત્યાર બાદ મેં તેને કહ્યું હતું કે ચાલ હવે ફિલ્મ બનાવીએ.’