ધુરંધરની સફળતા શોલે જેવી

10 February, 2026 01:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મની પ્રોડ્યુસરે કહ્યું કે એની સીક્વલ તો વધારે ધમાકેદાર હશે

`ધુરંધર`ની પ્રોડ્યુસર

આદિત્ય ધરના ડિરેક્શનમાં બનેલી ‘ધુરંધર’ની સફળતા પછી ફિલ્મ સાથે જોડાયેલા લોકો ઉત્સાહમાં છે. આ વાતાવરણમાં ફિલ્મનાં પ્રોડ્યુસર અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં પ્રેસિડન્ટ જ્યોતિ દેશપાંડેએ આ સફળતાની તુલના ૧૯૭૫ની ક્લાસિક ફિલ્મ ‘શોલે’ સાથે કરી છે.

હાલમાં એક ઇન્ટરવ્યુમાં જ્યોતિ દેશપાંડેએ કહ્યું હતું કે ‘‘ધુરંધર’ની સફળતા માત્ર મેકર્સની જીત નથી, પરંતુ દર્શકોની જીત છે. ઘણા દાયકાઓ બાદ કોઈ ફિલ્મ આ રીતે દર્શકોની કલ્પનામાં છવાઈ છે. લોકોએ ફિલ્મને વારંવાર જોઈને અને એના વિશે ચર્ચા કરીને એને સફળ બનાવી. ફિલ્મ ૬૦ દિવસથી વધુ સમય સુધી સિનેમાઘરોમાં ચાલી. ‘શોલે’ પછી મને આવી સફળ ફિલ્મ યાદ નથી આવતી. ફિલ્મમેકર માટે આથી મોટું સન્માન બીજું કંઈ હોઈ શકે નહીં. આવી સફળતા પૈસા કે માર્કેટિંગથી મેળવી શકાય એમ નથી.’

‘ધુરંધર’ની સીક્વલ ‘ધુરંધર : ધ રિવેન્જ’ વિશે વાત કરતાં જ્યોતિ દેશપાંડેએ કહ્યું હતું કે ‘ફિલ્મનો બીજો ભાગ પહેલાં કરતાં પણ વધુ ધમાકેદાર હશે. જો પહેલો ભાગ સફળ ન થયો હોત તો સીક્વલ કદાચ ફાઇલોમાં જ રહી ગઈ હોત, પરંતુ ટીમને વિશ્વાસ હતો કે ફિલ્મ ધમાલ મચાવશે. હવે ‘ધુરંધર : ધ રિવેન્જ’ને પાંચ ભાષાઓમાં રિલીઝ કરવાની તૈયારી છે. આ ફિલ્મ હિન્દીમાં બનેલી હોવા છતાં ફિલ્મને દક્ષિણ ભારતમાં જોરદાર પ્રતિસાદ મળ્યો અને પાકિસ્તાનમાં પણ એ સૌથી વધુ જોવાયેલી ફિલ્મોમાં સામેલ રહી.’

ધુરંધર : ધ રિવેન્જનું ટ્રેલર-લૉન્ચ માટે થયું છે જબરદસ્ત પ્લાનિંગ

૧૯ માર્ચે રિલીઝ થનારી ‘ધુરંધર : ધ રિવેન્જ’ની ટીમ ફિલ્મ-રિલીઝ પહેલાં જ જોરદાર ધમાકો કરવાનું પ્લાનિંગ કરી રહી છે. ‘ધુરંધર’ને મળેલી ઐતિહાસિક સફળતા બાદ મેકર્સ ઇચ્છે છે કે એની સીક્વલનું પ્રમોશન પણ એ જ લેવલ પર વધુ ભવ્ય રીતે કરવામાં આવે. આ સંજોગોમાં એક રિપોર્ટ મુજબ ‘ધુરંધર : ધ રિવેન્જ’નું ટ્રેલર નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)માં એક ભવ્ય ઇવેન્ટ દરમ્યાન લૉન્ચ કરવામાં આવશે. મેકર્સ આ લૉન્ચ વખતે કોઈ કસર છોડવા માગતા નથી અને આ હાઈ-પ્રોફાઇલ ઇવેન્ટથી ફિલ્મ માટે જોરદાર ચર્ચા થવાની આશા રાખવામાં આવી રહી છે. જોકે હાલમાં ટ્રેલર-લૉન્ચની ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી.

dhurandhar sholay entertainment news bollywood bollywood news upcoming movie trailer launch