01 October, 2023 11:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
‘ધ વૅક્સિન વૉર’ બનાવનાર ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીએ જણાવ્યું કે તેઓ આલિયા ભટ્ટ વિશે કોઈ નેગેટિવ બાબત નથી સાંભળી શકતા. આલિયાએ જે પ્રકારે પ્રગતિ કરી છે એની તેઓ ખૂબ પ્રશંસા કરે છે. તાજેતરમાં ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માટે આલિયાને નૅશનલ ફિલ્મ અવૉર્ડની જાહેરાત કરવામાં આવી હતી. ક્રિતી સૅનનને ‘મીમી’ માટે બેસ્ટ ઍક્ટ્રેસના અવૉર્ડની જાહેરાત કરવામાં આવી છે, તો સાથે અલ્લુ અર્જુનને પણ ‘પુષ્પા ઃ ધ રાઇઝ’ માટે બેસ્ટ ઍક્ટર અવૉર્ડની ઘોષણા કરવામાં આવી હતી. આલિયા અને અલ્લુ અર્જુનની પ્રશંસા કરતાં વિવેક અગ્નિહોત્રીએ કહ્યું કે ‘હું આલિયા ભટ્ટ અને અલ્લુ અર્જુનનો ફૅન છું. મને એવું લાગે છે કે આલિયા મારી ફૅમિલીનો જ એક ભાગ છે. હું હંમેશાં તેના કામની પ્રશંસા કરું છું. છેલ્લાં થોડાં વર્ષોમાં તે જે પ્રકારે ઍક્ટર તરીકે મૅચ્યોર થઈ છે એ મને ખૂબ પસંદ પડ્યું છે. તેનામાં ક્રીએટિવ બુદ્ધિમત્તા છે એથી તેનો ગ્રોથ અને જાહેરમાં તે જે રીતે આવે છે એ મને બહુ ગમે છે. કોઈ પણ પ્રકારની ચર્ચામાં તેના વિશે નેગેટિવ બોલવામાં આવે તો હું એ સાંભળી નથી શકતો. ઍક્ટર કઈ રીતે મૅચ્યોર થઈ શકે છે એનું ઉત્તમ ઉદાહરણ આલિયા છે. હું અલ્લુ અર્જુનનો પણ ફૅન છું. આશા છે કે એક દિવસ અમે સાથે કામ કરીશું. ક્રિતીની વાત કરું તો મેં અને પલ્લવી જોષીએ તેની ફિલ્મ ‘મીમી’ જોઈ હતી. અમને લાગ્યું કે તેણે મૅચ્યોર અને સ્પર્ધાત્મક પર્ફોર્મન્સ આપ્યો છે.’