બૅન્કરપ્સીમાંથી મને ઍક્ટિંગના પૅશને બહાર કાઢ્યો : બિગ બી

15 December, 2014 05:20 AM IST  | 

બૅન્કરપ્સીમાંથી મને ઍક્ટિંગના પૅશને બહાર કાઢ્યો : બિગ બી



ABCLનાં ટૂંકા નામથી વધુ ઓળખાયેલી અમિતાભ બચ્ચન કૉર્પોરેશન લિમિટેડ શરૂ કર્યા પછી અમિતાભ બચ્ચનને અનેક પ્રકારની આર્થિક મુશ્કેલીઓ જોવાનો સમય આવ્યો હતો. અમિતાભ બચ્ચને કહ્યું હતું, ‘એ ખરાબ સમય હતો. ABCL દેવામાં ચાલી ગઈ હતી અને હું દેવાળિયો થઈ ગયો હતો. કરીઅરમાં જ્યારે ટૉપ પર હતો ત્યારે જે કોઈ મારી સાથે કામ કરવા માટે આવતા હતા એ બધા આવીને ગંદી વાતો કરી જતા હતા. આવા સમયે રાતની ઊંઘ હરામ થઈ જતી હોય છે, તમે રાતે સૂઈ નથી શકતા. એક રાતે મેં મારી જાતને સવાલ પૂછ્યો કે હું કોણ છું અને એ સવાલ પછી મને રિયલાઇડઝ્ડ થયું કે હું અહીંયાં ઍક્ટિંગ કરવા આવ્યો હતો અને મારે એ જ કરવું જોઈએ.’

‘અગ્નિપથ’, ‘ડૉન’, ‘બ્લૅક’, ‘પા’ અને ‘ચીની કમ’ જેવી અનેક અદ્ભુત ફિલ્મોને પોતાની ઍક્ટિંગથી ચાર ચાંદ લગાડી દેનારા મહાનાયકે કહ્યું હતું કે પોતાના ઍક્ટિંગ માટેના ઝનૂને જ તેમને એ હાડમારીના તબક્કામાંથી બહાર લઈ આવવાનું કામ કર્યું હતું. બિગ બીએ વાતનું અનુસંધાન જોડીને કહ્યું હતું, ‘જે રાતે રિયલાઇઝ થયું એની બીજી સવારે હું ફિલ્મ પ્રોડ્યુસર-ડિરેPર યશ ચોપડાને મળ્યો અને તેમની પાસે મારી તકલીફોની વાત કરી. કહ્યું પણ ખરા કે મારી પાસે પૈસા પણ નથી અને કામ પણ નથી. એ પછી તેમણે મને ફિલ્મ ‘મહોબ્બતેં’ ઑફર કરી અને મેં નવેસરથી શરૂઆત કરી.’

મહાનાયક અમિતાભ બચ્ચને હરિવંશરાય બચ્ચન અને તેમની પ્રખ્યાત કૃતિ ‘મધુશાલા’ને પણ યાદ કરી હતી અને કહ્યું હતું કે તેમણે જે કોઈ વાત શીખવી છે એ વાતોએ તેમને અંદરથી શક્તિ આપવાનું કામ કર્યું છે. બિગ બીએ તેમનો એક કિસ્સો કહ્યો હતો અને કહ્યું હતું, ‘બાબુજીની સરકારી નોકરી હતી. એ નોકરી ઉપરાંત તેઓ એક બીજી નોકરી પણ કરતા, જેમાં તેમણે નાઇટ શિફ્ટમાં કામ માટે જવું પડતું. હું રાતે જ્યારે દરવાજો ખોલતો ત્યારે તેમને પૂછતો કે આવવામાં કેમ મોડું થયું. એ જવાબ આપતા : પૈસા બડી મુશ્કીલ સે મિલતા હૈ. હું જ્યારે શો-બિઝનેસમાં દાખલ થયો ત્યારે બેથી ત્રણ શિફ્ટમાં કામ કરતો અને રાતે મોડો ઘરે આવતો. હું મોડો આવતો ત્યારે આ જ સવાલ બાબુજી પૂછતા અને મારા મોડા આવવા માટે ફરિયાદ કરતા. હું તેમને એ જ જવાબ આપતો કે પૈસા બડી મુશ્કીલ સે મીલતા હૈ.’

રાજકારણ તો ક્યારેય નહીં

મેગાસ્ટાર અમિતાભ બચ્ચને વધુ એક વાર કબૂલ કર્યું હતું કે પૉલિટિક્સમાં  જવું એ એક બહુ મોટી ભૂલ હતી. આ ભૂલ તેઓ હવે પછી ક્યારેય નહીં દોહરાવે. અમિતાભ બચ્ચને ૧૯૮૪માં કૉન્ગ્રેસની ટિકિટ પર અલ્હાબાદની લોકસભા ઇલેક્શન જીતી હતી અને ત્રણ વર્ષ સંસદસભ્ય રહ્યા પછી રાજીનામું આપ્યું હતું. બિગ બીએ કહ્યું હતું, ‘રાજકારણમાં દાખલ થવાની હિંમત એ મારી ભૂલ હતી. હું લાગણીવશ થઈને રાજકારણમાં દાખલ થયો હતો, પણ પછી મને સમજાયું કે પૉલિટિક્સમાં વાસ્તવિકતાને લાગણી સાથે કંઈ લેવાદેવા નથી. સમજાયા પછી મેં એ પૉલિટિકસના ફીલ્ડમાંથી હાથ ઊંચા કરી લીધા.’પોતાના ભૂતકાળના અનુભવના આધારે બિગ બીએ કહ્યું હતું એ જિંદગીમાં ક્યારેય રાજનિતીમાં ફરી દાખલ નહીં થાય.