સૌકોઈ કાન ખોલીને સાંભળી લો, હું સુસાઇડ નહીં કરું : તનુશ્રી દત્તા

21 July, 2022 02:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેની સતત સતામણી કરવામાં આવી રહી હોવાથી કંટાળીને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને આવું કહ્યું

તનુશ્રી દત્તા

તનુશ્રી દત્તા સાથે કેટલીક એવી અણધારી ઘટનાઓ બની રહી છે જેને લઈને તેણે લોકોને સ્પષ્ટ શબ્દોમાં સંદેશ આપ્યો છે કે તે સુસાઇડ નહીં કરે. તેણે પોતાની સાથે થયેલી સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટની ઘટનાને લઈને જાહેરમાં આવું જણાવ્યું હતું. ત્યાર બાદથી #MeeToo કૅમ્પેનને વાચા મળી હતી. અનેક કલાકારોએ એના માધ્યમથી પોતાની આપવીતી સંભળા‍વી હતી. આ જ કારણ છે કે તનુશ્રીની હવે ફરીથી કનડગત થઈ રહી છે. એ વિશે પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને તનુશ્રીએ કૅપ્શન આપી હતી, ‘મને ખૂબ જ ખરાબ રીતે હૅરૅસ અને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. પ્લીઝ, કોઈ મારી મદદ કરો. પહેલાં તો ગયા વર્ષે મારા બૉલીવુડના કામને લઈને મને નુકસાન પહોંચાડવામાં આવ્યું. બાદમાં મારી મેઇડે મારા પીવાના પાણીમાં દવાઓ-સ્ટેરૉઇડ્સ ભેળવ્યાં, જેને કારણે મારા સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ. બાદમાં હું ઉજ્જૈન ગઈ તો મારી ગાડીની બ્રેક સાથે બે વખત ચેડાં કરવામાં આવ્યાં અને ઍક્સિડન્ટ થયો. મોતના મુખમાંથી બચીને ૪૦ દિવસ બાદ હું નૉર્મલ લાઇફ જીવવા અને કામ માટે મુંબઈ પાછી આવી છું તો હવે કોઈએ મારા ફ્લૅટની બહાર અજીબ વસ્તુ રાખી હતી. આ બધી ઘટનાઓથી હું સુસાઇડ નહીં કરું એ વાત સૌકોઈ કાન ખોલીને સાંભળી લે. હું અહીંથી ક્યાંય નહીં જઉં. હું મારી કરીઅર ફરીથી શરૂ કરીને પહેલાં કરતાં પણ વધુ બુલંદીઓ મેળવીશ. બૉલીવુડ માફિયા, મહારાષ્ટ્રના જૂના પૉલિટિકલ સર્કિટ અને નાપાક દેશવિરોધી ક્રિમિનલો સાથે મળીને આ બધાં કારસ્તાન કરીને લોકોને હેરાન કરે છે. મને પૂરી ખાતરી છે કે #MeeToo આરોપીઓ અને જે એનજીઓને મેં ઉઘાડાં પાડ્યાં છે એ બધાં આની પાછળ સંડોવાયેલાં છે, કેમ કે આ લોકો સિવાય કોણ મને આવી રીતે હૅરૅસ અને ટાર્ગેટ કરી શકે? તેમને શરમ આવવી જોઈએ. હું જાણું છું કે કેટલાય લોકો મને હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ હું તો ઇન્સ્ટા પર અપડેટ્સ મૂક્યા કરીશ. આ ગંભીર રીતે મેન્ટલ, ​ફિઝિકલ અને સાઇકોલૉજિકલ હૅરૅસમેન્ટ છે. આ કેવા પ્રકારનો માહોલ છે જ્યાં યુવાન છોકરાઓ અને છોકરીઓ અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવે છે તો તેમની પજવણી કરવામાં આવે છે અને મારી નાખવામાં આવે છે. મારી ઇચ્છા છે કે રાષ્ટ્રપતિશાસન અને મિલિટરી રૂલ મહારાષ્ટ્રમાં લાગુ કરવામાં આવે અને કેન્દ્ર સરકાર આવી ઘટનાઓ પર પૂરી રીતે અંકુશ લાવે. સ્થિતિ વણસી રહી છે. મારા જેવા લોકો ભોગવી રહ્યા છે. કંઈક તો ભયાનક બનવાનું છે. આજે આ બધું મારી સાથે થઈ રહ્યું છે અને આવતી કાલે તમારી સાથે પણ થઈ શકે છે.’

bollywood news entertainment news bollywood gossips bollywood MeToo tanushree dutta nana patekar