હું પુરુષ ડિરેક્ટરોથી સારી મસાલા ફિલ્મો બનાવું છું

28 October, 2014 05:35 AM IST  | 

હું પુરુષ ડિરેક્ટરોથી સારી મસાલા ફિલ્મો બનાવું છું

ફારાહ ખાન એક એવી મહિલા છે જેણે એ માન્યતાને ખોટી પાડી છે કે મહિલા ડિરેક્ટરો મસાલા ફિલ્મો ન બનાવી શકે. ‘મૈં હૂં ના’, ‘ઓમ શાંતિ ઓમ’ અને હવે ‘હૅપી ન્યુ યર’ જેવી બ્લૉકબસ્ટર ફિલ્મો બનાવનાર ફારાહ કહે છે કે મેં પુરવાર કર્યું છે કે પુરુષપ્રધાન દેશમાં એક મહિલા પુરુષોની સરખામણીએ સારું કામ કરી શકે છે.‘હૅપી ન્યુ યર’ વિશે વાત કરતાં ફારાહ કહે છે, ‘ફિલ્મ સારી જશે એની અમને ખાતરી હતી; કારણ કે એમાં શાહરુખ, દીપિકા અને હું છીએ. આ મોટી ફિલ્મ છે. ફિલ્મનાં ગીતો લોકપ્રિય થયાં છે અને ફિલ્મ વિશે ઘણો રોમાંચ અને ઉત્સુકતા હતી. અમને જાણ હતી કે શરૂઆત સારી થશે, પરંતુ આટલીબધી સારી શરૂઆતની અમે કલ્પના નહોતી કરી. મને લાગે છે કે કોઈએ આ કલ્પના નહીં કરી હોય. બૉલીવુડના પંડિતોને પણ એથી આઘાત લાગ્યો હશે.’

ફારાહ એ વાતે બેહદ ખુશ છે કે એક મહિલા હોવા છતાં તેની ફિલ્મ બૉક્સ-ઑફિસ પર જબરદસ્ત હિટ નીવડી છે. તે કહે છે, ‘આપણે પુરુષપ્રધાન દેશમાં રહીએ છીએ જેમાં મહિલાઓને તુચ્છ ગણવામાં આવે છે અને તેમને જણાવવામાં આવે છે કે જે કામ પુરુષો કરી શકે એ મહિલાઓ ન કરી શકે. આવી પરિસ્થિતિમાં એક મહિલાને આવી સફળતા મળી છે, પરંતુ કોઈ પુરુષ ડિરેક્ટરને પણ આવું ઓપનિંગ મળ્યું નથી.’વિવેચકો આવી ફિલ્મોને ઉતારી પાડે છે એની પરવા ન કરતી ફારાહ કહે છે, ‘મારે કોઈ વિવેચકના દબાણમાં નથી આવવું જે એવું ઇચ્છતો હોય કે હું અમુક પ્રકારની ફિલ્મ બનાવું - એવી ફિલ્મ જે સ્લો અને બોરિંગ હોય. એક અબજ લોકો જેને સ્વીકારે એવી સ્ક્રિપ્ટ લખવાનું ખરેખર અઘરું હોય છે. પાંચ વિવેચકોને ખુશ કરવાનું સહેલું છે; પણ વિચારો, વર્તન અને ગમા-અણગમાની વિશાળ વિવિધતા ધરાવતા આખા દેશને ખુશ કરવાનું બહુ અઘરું છે.’હાલમાં ફારાહ તેની ફિલ્મની સફળતા ઊજવવાના મૂડમાં છે. તે કહે છે, ‘પહેલાં મારા ઘરે અમે પાર્ટી યોજીશું અને પછી ફિલ્મનો દરેક મુખ્ય સભ્ય પાર્ટી રાખશે. એથી મને લાગે છે કે ઓછામાં ઓછું એક અઠવાડિયું આ પાર્ટીઓ ચાલશે. પાર્ટીઓ બાદ હું મારા કુટુંબ માટે સમય ફાળવીશ. હું મારા પતિ અને બાળકો સાથે લંડનમાં ક્રિસમસ ઊજવીશ.’