ક્રિશ ઊડી જશે સ્વિટ્ઝરલૅન્ડ

30 August, 2012 06:11 AM IST  | 

ક્રિશ ઊડી જશે સ્વિટ્ઝરલૅન્ડ

હાલમાં પ્રોડ્યુસર રાકેશ રોશન દીકરા હૃતિક રોશનને લઈને ‘ક્રિશ ૩’નું નિર્માણ કરી રહ્યા છે. આ ફિલ્મના આગળના શેડ્યુલનું શૂટિંગ સિંગાપોરમાં કરવામાં આવ્યું હતું અને હવે નેક્સ્ટ શેડ્યુલનું શૂટિંગ સ્વિટ્ઝરલૅન્ડમાં આલ્પ્સની પર્વતમાળામાં કરવાનું પ્લાનિંગ છે. આ ફિલ્મનું શૂટિંગ ડિસેમ્બર મહિનામાં શરૂ થયું હતું અને મુંબઈ તથા હૈદરાબાદનું મોટા ભાગનું શૂટિંગ આટોપી લેવામાં આવ્યું છે. આ પહેલાં ‘કોઈ મિલ ગયા’ની સીક્વલ એવી ૨૦૦૬માં રિલીઝ થયેલી ‘ક્રિશ’નું શૂટિંગ પણ હિમાચલ પ્રદેશના પર્વતીય વિસ્તારોમાં તેમ જ સિંગાપોરમાં કરવામાં આવ્યું હતું.

આ મુદ્દે વાત કરતાં ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિ કહે છે, ‘ફિલ્મનું યુનિટ ઑક્ટોબર મહિનામાં સ્વિટ્ઝરલૅન્ડમાં શૂટિંગ કરવા માટે રવાના થઈ જશે અને હાલના તબક્કે તો આ શેડ્યુલની તૈયારીઓ ચાલી રહી છે. હાલના તબક્કે બીજા યુરોપિયન દેશોના નામની પણ વિચારણા ચાલી રહી છે, પણ સ્વિટ્ઝરલૅન્ડ ટોચ પર છે.’

હૃતિક રોશનને ‘ક્રિશ’ના રોલમાં ચમકાવતી આ ફિલ્મની હિરોઇન છે પ્રિયંકા ચોપડા. હૃતિક આ ફિલ્મમાં અભિનયની સાથે-સાથે નિર્માણનાં બીજાં પાસાંઓ પર પણ ધ્યાન આપી રહ્યો છે. હૃતિકે આ ફિલ્મ માટે પરફેક્ટ બૉડી બનાવવા આકરી મહેનત કરી છે અને હવે તે શૂટિંગ માટે પણ પરફેક્ટ લોકેશનની જ પસંદગી કરવા માગે છે.