18 December, 2025 12:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધુરંધરમાં દર્શાવાયેલું પાકિસ્તાનનું લયારી
રણવીર સિંહની ‘ધુરંધર’ બૉક્સ-ઑફિસ પર સારી કમાણી કરી રહી છે. આ ફિલ્મની વાર્તાની સાથે-સાથે ફિલ્મનો પાકિસ્તાનના કરાચી શહેરના લયારી વિસ્તારનો સેટ બહુ ચર્ચામાં છે. હાલમાં પ્રોડક્શન ડિઝાઇનરે એક ઇન્ટરવ્યુમાં લયારીના આ સેટ વિશે ખુલાસો કર્યો છે. તેણે કહ્યું હતું કે ‘આ ફિલ્મ પાકિસ્તાનના લયારી વિસ્તારને દર્શાવે છે અને એનો સેટ થાઇલૅન્ડના બૅન્ગકૉકમાં બનાવવામાં આવ્યો હતો. અમારે માત્ર ૨૦ દિવસમાં ૬ એકરના વિસ્તારમાં સેટ તૈયાર કરવો હતો. અમે ભારતમાંથી વધુ લોકોને પ્લેનમાં બેસાડીને બૅન્ગકૉક લઈ જઈ શકતા નહોતા એટલે ત્યાંના લોકલ આર્ટિસ્ટ્સ સાથે મળીને કામ કરવું પડ્યું. થાઇલૅન્ડના લગભગ ૫૦૦ લોકોએ સેટ બનાવવા માટે દિવસ-રાત મહેનત કરી. લયારીને દર્શાવતા મોટા ભાગના સીન બૅન્ગકૉકમાં શૂટ કરવામાં આવ્યા હતા. જોકે કહાનીને વધુ ઊંડાણ આપવા માટે મુંબઈમાં પણ એક મોટો સેટ બનાવવામાં આવ્યો હતો. અમારા પાસે મોટા સ્ટાર્સ હતા અને તેમની જુલાઈ મહિનામાં શૂટિંગ-ડેટ્સ મળી હતી. તેમની સાથે વરસાદના વાતાવરણમાં જુલાઈમાં મુંબઈમાં શૂટિંગ કરવાનું શક્ય નહોતું. અમને ખૂબ મોટી જગ્યા જોઈતી હતી. અમે અનેક દેશોમાં લોકેશન્સ જોયાં, પરંતુ અંતે થાઇલૅન્ડમાં એવી જગ્યા મળી જ્યાં અમે વિશાળ સેટ બનાવી શક્યા.’