22 July, 2025 09:09 AM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
હિમેશ રેશમિયાએ દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં ધમાકેદાર પર્ફોર્મન્સ આપ્યો
સિંગર, મ્યુઝિશ્યન, ઍક્ટર અને ફિલ્મમેકર હિમેશ રેશમિયા હાલમાં તેની કૅપ મેનિયા ટૂર પર છે અને તાજેતરમાં તેણે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં ધમાકેદાર પર્ફોર્મન્સ આપ્યો. આ શોમાં તેણે દેશના જવાનોને ખાસ શ્રદ્ધાંજલિ આપી અને ઑપરેશન સિંદૂર માટે સન્માનની લાગણી વ્યક્ત કરી.
આ કૉન્સર્ટ દરમ્યાન હિમેશે એક ક્ષણ માટે સંગીત રોકીને દર્શકોને એક ભાવનાત્મક સંદેશ આપ્યો અને કહ્યું, ‘બધું થશે પણ આપણે તેમને ન ભૂલવા જોઈએ જેમના કારણે આજે આપણે એકબીજાને મળી શકીએ છીએ. આપણા દેશના જવાનોને સલામ. જય હિન્દ. ઑપરેશન સિંદૂર ઝિંદાબાદ.’
આ ભાવનાને આગળ વધારતાં હિમેશે ૧૯૮૬માં આવેલી ફિલ્મ ‘કર્મા’નું પ્રખ્યાત દેશભક્તિ ગીત ‘દિલ દિયા હૈ જાન ભી દેંગે’ ગાઈને વાતાવરણને દેશભક્તિથી ભરી દીધું. આ ગીત પર દર્શકોએ ઊભા થઈને તાળીઓથી તેને વધાવી લીધો હતો.
હિમેશ રેશમિયા નાકથી ગાવા માટે જાણીતો છે અને તે હવે એની સિગ્નેચર સ્ટાઇલ બની ગઈ છે. મુંબઈની કૉન્સર્ટની જેમ દિલ્હીમાં પણ આ વાતની મજાક કરીને તેણે હસતાં-હસતાં દર્શકોને સવાલ કર્યો હતો કે ‘હું રેગ્યુલર ગાઉં કે પછી નાકથી ગાઉં?’ આ સવાલ સાંભળતાં જ આખું સ્ટેડિયમ હાસ્ય અને તાળીઓથી ગુંજી ઊઠ્યું. આ કૉન્સર્ટમાં હિમેશે સ્ટેજ પર તેની પત્ની સોનિયા રેશમિયાને પણ બોલાવી અને તેને ગળે મળ્યો. આ દંપતીના બૉન્ડિંગે ચાહકોને ભાવુક અને રોમાંચિત કરી દીધા.