01 September, 2025 07:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અભિષેક બચ્ચન, હેમા માલિની અને તેની દીકરી એશા દેઓલ
હેમા માલિનીની દીકરી એશા દેઓલના ભૂતપૂર્વ પતિ ભરત તખ્તાણીએ હાલમાં મેઘના લાખાણી સાથેની તેની રિલેશનશિપની જાહેરાત કરી છે. આ સંજોગોમાં ફરી એક વાર એશા અને ભરતનું લગ્નજીવન ચર્ચામાં આવ્યું છે. એ સમયે હેમા માલિનીનો એક જૂનો ઇન્ટરવ્યુ વાઇરલ થયો છે જેમાં તેણે દીકરી એશા અને અભિષેક બચ્ચનનાં લગ્ન થાય એવી ઇચ્છા જાહેર કરી હતી. જોકે એ સમયે એશા દેઓલે આનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. આ મામલે એશાનો મત પૂછવામાં આવ્યો ત્યારે તેણે જવાબમાં કહ્યું હતું કે ‘મારી મમ્મી ખરેખર ખૂબ ક્યુટ છે. તેમણે અભિષેકનું નામ લીધું, કારણ કે એ સમયે તે સૌથી યોગ્ય બૅચલર હતો. તેઓ ઇચ્છતાં હતાં કે હું કોઈ સારી વ્યક્તિ સાથે લગ્ન કરું અને આવી સ્થિતિમાં તેમને અભિષેક બચ્ચન શ્રેષ્ઠ લાગ્યો હતો. જોકે હું અભિષેક બચ્ચન સાથે લગ્ન નહોતી કરવા માગતી, કારણ કે હું તેને મારો મોટો ભાઈ માનું છું એટલે તેમને કહી દીધું કે માફ કરજો મમ્મી, હું બૉલીવુડના કોઈ પણ હીરોને મારા પતિ કે બૉયફ્રેન્ડ તરીકે નથી જોતી.’
એશાએ ૨૦૧૨માં બિઝનેસમૅન ભરત તખ્તાણી સાથે લગ્ન કર્યાં હતાં. તેમને બે દીકરીઓ પણ છે. જોકે તેમણે ૨૦૨૪માં ડિવૉર્સ લઈ લીધા હતા. એશા દેઓલ અને ભરત તખ્તાણી એકબીજાને સ્કૂલના સમયથી ઓળખતાં હતાં. બૉલીવુડમાં ડેબ્યુ કર્યા બાદ એશા અને ભરતે એકમેકને ડેટ કરવાનું શરૂ કર્યું હતું અને પછી લગ્ન કર્યાં હતાં.
ભરત તખ્તાણીની ડિમાન્ડ હતી કે ઘરેલુ એશા દેઓલનું વજન ન વધવું જોઈએ
એશા દેઓલનો ભૂતપૂર્વ પતિ ભરત તખ્તાણી પોતાના જીવનમાં આગળ વધી ગયો છે. બન્નેએ ૨૦૨૪ની શરૂઆતમાં તેમના ૧૧ વર્ષના લગ્નજીવનને પૂરું કરીને એકમેકને છૂટાછેડા આપી દીધા હતા. હાલમાં ભરતે સોશ્યલ મીડિયા પર મેઘના લાખાણી સાથેની રિલેશનશિપ કન્ફર્મ કરી છે. એ દરમ્યાન એશા દેઓલનો એક જૂનો ઇન્ટરવ્યુ પણ ચર્ચામાં આવ્યો છે જેમાં તેણે લગ્ન પછીની તેની સ્થિતિ વિશે વાત કરી છે. એશા દેઓલ અને ભરત તખ્તાણીનાં લગ્ન ૨૦૧૨માં પરંપરાગત રીતે થયાં હતાં. લગ્ન બાદ એશાએ આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘તખ્તાણી પરિવારમાં પ્રથમ વહુ તરીકે મને ‘સત્તે પે સત્તા’ ફિલ્મની હેમા માલિની જેવો અનુભવ થયો, કારણ કે ભરતના ૬ કઝિન્સ હતા. ભરત નથી ઇચ્છતો કે લગ્ન બાદ મારું વજન વધે એટલે અમે ટૂંક સમયમાં યોગ ક્લાસમાં જોડાઈશું.’ એશાના આ ઇન્ટરવ્યુમાં ભરત પણ તેની સાથે હતો. તેણે લગ્ન પછી પોતાનો અનુભવ જણાવતાં કહ્યું હતું, ‘એશા ‘ઘરેલુ’ છે. તે મારી મમ્મીનું અને તેમના મૂડનું ધ્યાન રાખે છે. તે ખૂબ સારી રીતે ભળી ગઈ છે. તે ખૂબ ધ્યાન રાખનારી અને જવાબદાર વ્યક્તિ છે. તે જાણે છે કે મને કઈ રીતે ખુશ રાખી શકાય. હું સ્વાદિષ્ટ ભોજનનો શોખીન છું. હું ખાવા માટે જીવું છું અને તે એ વાતનું ધ્યાન રાખે છે કે મારી મનપસંદ વસ્તુઓ ઘરે જ તૈયાર થાય.’