05 October, 2025 10:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફૅને સેલ્ફી લેવાની ટ્રાય કરી એટલે હેમા માલિનીનું મોઢું ચડી ગયું
ઍક્ટ્રેસ અને BJPનાં સંસદસભ્ય હેમા માલિનીનો ઉત્તર પ્રદેશના નવરાત્રિના કાર્યક્રમમાં ભાગ લેવાનો એક વિડિયો આવ્યો છે જેમાં ફૅન તેમની સાથે સેલ્ફી લેવાની કોશિશ કરતાં તેમના ચહેરા પર અણગમાના ભાવ આવી જાય છે અને તેઓ ગુસ્સામાં મોઢું ફેરવી લે છે. આ વિડિયો વાઇરલ થતાં સોશ્યલ મીડિયામાં હેમા માલિનીને ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે.
હેમા માલિની નવરાત્રિના કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે ગયાં હતાં. અહીં એક મહિલાએ તેમની સાથે સેલ્ફી લેવાનો આગ્રહ કર્યો ત્યારે હેમા માલિનીએ એક ક્ષણ માટે ફોન તરફ જોયું, પરંતુ કશો જવાબ આપ્યા વિના તરત જ મોઢું ફેરવી લીધું હતું. હેમા માલિનીનું આ વર્તન જોઈને તેમના ફૅન્સને આંચકો લાગ્યો હતો અને તેઓ આવા ઍટિટ્યુડની ટીકા કરી રહ્યા છે.
હેમા માલિનીની તુલના જયા બચ્ચન સાથે થઈ
કેટલાક સોશ્યલ મીડિયા યુઝર્સે પોસ્ટના કમેન્ટ-સેક્શનમાં આકરી પ્રતિક્રિયા આપી હતી. એક યુઝરે કમેન્ટ કરી હતી કે હેમા માલિનીને જ્યારે ફૅન્સ સાથે ફોટો પડાવવામાં આટલી તકલીફ થાય છે તો તેઓ પબ્લિક-આમંત્રણ શા માટે સ્વીકારે છે? અન્ય એક યુઝરે પ્રશ્ન કર્યો હતો કે આટલો ઍટિટ્યુડ શા માટે? એક જણે કમેન્ટમાં લખ્યું હતું, તેઓ જયા બચ્ચનનાં કૉપી છે. અન્ય એક યુઝરે લખ્યું હતું, બિનજરૂરી ઍટિટ્યુડ; જો તેમણે આવો જ વ્યવહાર કરવાનો હતો તો ત્યાં જવાનો શું અર્થ?