હેમા હજી હાર્યા નથી હિંમત

02 October, 2012 05:29 AM IST  | 

હેમા હજી હાર્યા નથી હિંમત



હેમા માલિનીએ આ પહેલાં પ્રોડ્યુસ કરેલી ‘દિલ આશના હૈ’ તથા ‘ટેલ મી ઓ ખુદા’ જેવી ફિલ્મો સદંતર નિષ્ફળ ગઈ હોવા છતાં લાગે છે કે તેઓ હજી હિંમત નથી હાર્યા અને મળતી માહિતી પ્રમાણે હવે તેઓ ફરી નવી ફિલ્મ કે ટીવી-શો પ્રોડ્યુસ કરવા માગે છે. હેમા આ પહેલાં ‘માટી કી બન્નો’, ‘નૂપુર’ અને ‘વુમન ઑફ ઇન્ડિયા’ જેવા ટીવી-શો પ્રોડ્યુસ કરી ચૂક્યાં છે.

હેમાના આ આયોજન વિશે વાત કરતાં તેમની નજીકની એક વ્યક્તિ કહે છે, ‘હેમા ‘ટેલ મી ઓ ખુદા’ના નિર્માણ વખતે ઊભી થયેલી સમસ્યાઓથી બહુ અપસેટ હતાં. તેમણે આ ફિલ્મનું નિર્માણ એશા દેઓલની કમબૅક ફિલ્મ તરીકે કર્યું હતું એમ છતાં ફિલ્મનો બૉક્સ-ઑફિસ પર ધબડકો થઈ જતાં તેમનું દિલ તૂટી ગયું હતું. આને કારણે ફિલ્મની રિલીઝ બાદ હેમાએ નક્કી કર્યું હતું કે તેઓ હવે ફિલ્મમેકિંગને બદલે ડાન્સિંગ અને ઍક્ટિંગ પર જ ધ્યાન આપશે. બાકી સમયની સાથોસાથ હેમાએ પોતાના નિર્ણય પર પુન:વિચાર કર્યો અને તેમણે કોઈ સામાજિક વાર્તાવાળી સિરિયલ કે પછી ફિલ્મ બનાવવાનો નિર્ણય કરી લીધો છે. જોકે આ વખતે તેમણે બજેટ અને ક્રૂની પસંદગીમાં ખાસ સાવધાની લેવાનો નિર્ણય કર્યો છે. હાલમાં બૉલીવુડમાં મહિલાપ્રધાન ફિલ્મોનો સારો સમય ચાલી રહ્યો છે. હેમાને લાગે છે કે તેઓ આવી ફિલ્મો બનાવવામાં એક્સપર્ટ છે અને આને કારણે તેમણે ફરી એક વાર પ્રોડક્શનનો અનુભવ લેવાનું નક્કી કર્યું છે.’

ટીવી = ટેલિવિઝન