ડ્રિમ ગર્લ મારી અત્યાર સુધીની સૌથી કમર્શિયલ અને મસાલા ફિલ્મ : આયુષ્માન

11 September, 2019 11:33 AM IST  |  મુંબઈ | હર્ષ દેસાઈ

ડ્રિમ ગર્લ મારી અત્યાર સુધીની સૌથી કમર્શિયલ અને મસાલા ફિલ્મ : આયુષ્માન

આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાના હાલમાં એક-એકથી ચઢીયાતી ફિલ્મો આપી રહ્યો છે, પરંતુ તેનું કહેવું છે કે ‘ડ્રીમ ગર્લ’ તેની અત્યાર સુધીની સૌથી એન્ટરટેઇનિંગ ફિલ્મ છે. આ ફિલ્મમાં તેની સાથે નુશરત ભરૂચા પણ જોવના મળશે. આયુષ્માને પાંચ એક પછી એક હિટ ફિલ્મ આપી છે અને આ ફિલ્મમાં તે નવા જ રૂપમાં જોવા મળશે. આયુષ્માને ઘણી સોશ્યલ રિલેવન્ટ ફિલ્મો કરી છે, પરંતુ આ ફિલ્મમાં તે ફોન પર છોકરીના અવાજમાં વાતો કરી લોકોના દિલ બહેલાવતો જોવા મળશે. આ વિશે વાત કરતાં આયુષ્માને કહ્યું હતું કે ‘મારી ‘ડ્રીમ ગર્લ’ અત્યાર સુધીની મોસ્ટ કમર્શિયલ અને મસાલા ફિલ્મ છે. હું હંમેશાં મારી ફિલ્મો, મારા પાત્રો અને મારી સ્ક્રિપ્ટ સાથે એક્સપેરિમેન્ટ્સ કરતો રહું છું. આ ફિલ્મ દ્વારા હું વધુ દર્શકો સુધી પહોંચવા માગુ છું અને એ ફિલ્મમાં મને ખૂબ જ મજા આવે છે. આ એક ખૂબ જ મનોરંજક બૉલીવુડ કૉમેડી ફિલ્મ છે અને એની સ્ક્રિપ્ટ પણ ખૂબ જ સોલિડ છે. મારા માટે ફિલ્મ પસંદ કરવા માટે સ્ક્રિપ્ટ સૌથી મહત્વની છે. ઓર્ડિનરી ફિલ્મ કરતાં એ અલગ હોવી જોઈએ. આ સ્ટોરીનો ફ્રેશ અને ઇનોવેટિવ સબજેક્ટને કારણે મેં એને પસંદ કરી છે.’

કમર્શિયલ ફિલ્મ કરવા વિશેનું કારણ જણાવતાં આયુષ્માને કહ્યું હતું કે ‘ઘણાં લોકો સુધી પહોંચવા માટે અને તેમની સાથે કનેક્ટ થવા માટે આ કમર્શિયલ ફિલ્મ કરવી ખૂબ જ જરૂરી હતી. આવી ફિલ્મો કરીને હું મારી સોશ્યલ ફિલ્મોની રીચ વધારી રહ્યો છું જેથી કરીને એ ઘણાં લોકો સુધી પહોંચી શકે. જો લોકો મને કમર્શિયલ સિનેમામાં જોવાનું પસંદ કરશે તો તેઓ મારી સોશ્યલ ફિલ્મ જોવા માટે પણ પ્રેરાશે. આથી ‘ડ્રીમ ગર્લ’ મારા માટે ખૂબ જ મહત્વની છે.’

‘ડ્રીમ ગર્લ’નું ‘એક મુલાકાત’ના અનપ્લગ્ડ વર્ઝન માટે અવાજ આપશે આયુષ્માન

આયુષ્માન ખુરાના તેની ‘ડ્રીમ ગર્લ’ના ગીત ‘એક મુલાકાત’ના અનપ્લગ્ડ વર્ઝન માટે અવાજ આપશે. આયુષ્માન તેની ઍક્ટિંગની સાથે તેના ગીતો માટે પણ જાણીતો છે. તેણે ‘આર્ટિકલ ૧૫’ના ‘ઇન્તેઝારી’ના અનપ્લગ્ડ ગીત માટે પણ અવાજ આપ્યો હતો. રોમેન્ટિક ગીત ‘એક મુલાકાત’માં મીત બ્રધર્સ, અલ્તમસ ફરિદી અને પલક મુછ્છલે અવાજ આપ્યો છે. આ ગીતના અનપ્લગ્ડ વર્ઝન વિશે આયુષ્માને કહ્યું હતું કે ‘હું પહેલેથી જ આ ગીતનું અનપ્લગ્ડ વર્ઝન ગાવા ઇચ્છતો હતો. જોકે આ ગીતને રેકૉર્ડ કરવાનું રાજ શાંડિલ્ય, રુચિકા કપૂર અને મેં નક્કી કર્યું હતું.’

ayushmann khurrana bollywood news