મર્ડર મિસ્ટરીનું હૅપી એન્ડિંગ

02 August, 2020 07:19 PM IST  |  Mumbai Desk | Harsh Desai

મર્ડર મિસ્ટરીનું હૅપી એન્ડિંગ

નવાઝુદ્દીન સિદ્દીકી અને રાધિકા આપ્ટેની ‘રાત અકેલી હૈ’ને નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મ દ્વારા રાધિકાએ નેટફ્લિક્સ પર કમબૅક કર્યુ છે. ઇન્ડિયાના મોટા ભાગના નેટફ્લિક્સના શોમાં રાધિકાએ કામ કર્યું હતું, પરંતુ થોડા સમયથી તે ગાયબ થઈ ગઈ હતી. આ ફિલ્મમાં તેની સાથે તિગ્માંશુ ધુલિયા, શિવાની રઘુવંશી, ઇલા અરુણ, નિશાંત દહિયા, સ્વાનંદ કિરકિરે, આદિત્ય શ્રીવાસ્તવ અને શ્વેતા ત્રિપાઠીએ કામ કર્યું છે. અભિષેક ચૌબે અને રૉની સ્ક્રૂવાલા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી ફિલ્મને હની ત્રેહાને ડિરેક્ટ કરી છે. આ એક મર્ડર મિસ્ટરી છે જેમાં એક ઠાકુર-ફૅમિલીનો સમાવેશ છે.
નવાઝુદ્દીન સિદ્દીકીને આપણે ‘કહાની’ અને ‘રઈસ’માં ઇન્સ્પેક્ટરના રોલમાં જોયો છે અને આ ફિલ્મમાં પણ તે ઇન્સ્પેક્ટરના રોલમાં છે. કાનપુરમાં એક ઠાકુર-ફૅમિલીમાં લગ્ન દરમ્યાન ખૂન થાય છે અને એની તપાસ ઇન્સ્પેક્ટર જટિલ યાદવને સોંપવામાં આવી છે. અઢી કલાકની આ ફિલ્મમાં મર્ડરને સૉલ્વ કરવા માટે એક સાઇડ લવ-સ્ટોરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ફિલ્મની લેખિકા સ્મિતા સિંહ છે જેણે મર્ડર-મિસ્ટરી તો સારી બનાવી છે, પરંતુ એ એક જ ટ્રૅક પર ભાગતી રહે છે. ઇન્સ્પેક્ટર જટિલ યાદવ સાથે દર્શકોને પણ જે-તે સમયે કોણે મર્ડર કર્યું છે એ વિશે સાથે જ ખબર પડે એ દેખાડવામાં આવ્યું છે. આરોપી કોણ છે એની પાછળ રહસ્ય ઊભું કરવામાં સ્મિતા સિંહ પાત્રોને યોગ્ય ન્યાય આપવાનું ભૂલી ગઈ છે. દરેક ફ્રેમમાં નવાઝુદ્દીન સિદ્દીકી જોવા મળે છે અને જ્યારે સ્ટોરીને આગળ ચલાવવી હોય ત્યારે રાધિકાની ફરી એન્ટ્રી કરાવવામાં આવે છે આથી ફિલ્મ થોડી બોરિંગ બની ગઈ છે.
હની ત્રેહાને ફિલ્મની શરૂઆત તો ખૂબ જબરદસ્ત કરી હતી, પરંતુ થોડા સમય બાદ એ સિંગલ ટ્રૅક પર જતી જોવા મળે છે. જોકે અઢી કલાકની આ ફિલ્મ બોરિંગ અને લાંબી ન લાગે એ માટે ઘણા ટ્વિસ્ટ આપવાની કોશિશ કરી છે. હની ત્રેહાનની પહેલી ફિલ્મ હોવાથી તેણે આ સારી ફિલ્મ બનાવી છે એમ કહેવું પણ ખોટું નથી, કારણ કે તેની મહેનત પણ દેખાય છે. કેટલાંક પાત્રોએ ખૂન કર્યું હોય એવું આપણને લાગે ત્યાં જ એ પાત્રોને છોડી દેવામાં આવે છે. એ તરફ પોલીસનું ધ્યાન ન જાય એ થોડું વિચિત્ર લાગે છે. શ્વેતા ત્રિપાઠી જ્યારે નવાઝુદ્દીનને દાદી પર નજર રાખવાનું કહે છે ત્યારે એ ટ્રૅકને ત્યાં જ છોડી દેવામાં આવે છે. હનીભાઈએ તેના ડિરેક્શન દ્વારા પૅટ્રિઆર્કી અને ક્લાસ પર પણ આડકતરી રીતે કમેન્ટ કરી છે.
નવાઝુદ્દીને ઍક્ટિંગ દ્વારા ફિલ્મને પકડી રાખી છે. તે એક સિન્સિયર પોલીસ-ઑફિસર હોય છે અને કરપ્ટ સિસ્ટમ સામે પણ તે કેવી રીતે સત્યનો સાથ નથી છોડતો એ તેણે ખૂબ સારી રીતે દેખાડ્યું છે. નવાઝુદ્દીન પોલીસ-ઑફિસર હોવા છતાં તે ઘણાં દૃશ્યમાં અનુરાગ કશ્યપની ફિલ્મમાં જ કામ કરતો હોય એવું લાગે છે. તે લગ્ન માટે છોકરીની શોધમાં હોય છે અને તેના કલરને કારણે ઘણી વાર તે રિજેક્ટ પણ થયો છે. તેણે તેનું આ ફસ્ટ્રેશન પણ ખૂબ સારી રીતે દેખાડ્યું છે. તેની મમ્મી ઇલા અરુણના રૂપમાં અદ્ભુત છે. રાધિકા આપ્ટેએ પણ એક મિસ્ટ્રેસનું પાત્ર ખૂબ જ સારી રીતે ભજવ્યું છે અને બાકીની તમામ કાસ્ટ દ્વારા તેમને ખૂબ સપોર્ટ આપવામાં આવ્યો છે.
ફિલ્મની સિનેમૅટોગ્રાફી જેટલી સારી છે એટલી સારી એની રાઇટિંગ હોત તો ફિલ્મ ખૂબ સારી બની હોત. પંકજ કુમારે તેની સિનેમૅટોગ્રાફી દ્વારા ફિલ્મને છેલ્લે સુધી મર્ડર-મિસ્ટરી છે એ બનાવી રાખવામાં ખૂબ મદદ કરી છે તેમ જ શ્રીકર પ્રસાદના એડિટિંગને કારણે ફિલ્મ થોડીઘણી ઇન્ટરેસ્ટિંગ લાગે છે. ફિલ્મનો સૌથી મોટો માઇનસ પૉઇન્ટ એનો એન્ડિંગ છે. હૅપી એન્ડિંગ દેખાડવાના ચક્કરમાં એક મર્ડર-મિસ્ટરીનો જોઈએ એવો અંત નથી આવ્યો. સ્ટોરી જે પ્રમાણે ચાલે છે એ પ્રમાણે દરેક પાત્રને ધ્યાનપૂર્વક જોયાં હોય તો કોણે મર્ડર કર્યું હોય છે એ કહેવું મુશ્કેલ નથી. જોકે આમ કેમ કરવામાં આવ્યું એને એક ટ્વિસ્ટ કહી શકાય.
આખરી સલામ
હની ત્રેહાનની પહેલી ફિલ્મ હોવાથી તેણે સારી બનાવી છે એમ કહી શકાય તેમ જ તેણે ઘણા ટ્વિસ્ટની સાથે હૅરૅસમેન્ટ અને પૅટ્રિઆર્કી પર હળવી કમેન્ટ પણ કરી છે.

bollywood bollywood news bollywood gossips harsh desai