05 August, 2025 07:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હંસિકા મોટવાણી
છેલ્લા કેટલાક સમયથી ચર્ચા છે કે હંસિકા મોટવાણી અને તેનો પતિ સોહેલ ખતુરિયા ડિવૉર્સ લેવાનાં છે, પણ આ મામલે કોઈએ સ્પષ્ટતા નથી કરી. હવે છૂટાછેડાની ચર્ચા વચ્ચે હંસિકાએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પરથી પતિ સોહેલ સાથેના ફોટો ડિલીટ કે આર્કાઇવ કરી દીધા છે. તેણે પોતાનાં લગ્નના ફોટો પણ દૂર કરી દીધા છે. એક રિપોર્ટ પ્રમાણે હાલમાં હંસિકા અને સોહેલ અલગ રહી રહ્યાં છે. હંસિકાએ તેની મમ્મી સાથે રહેવાનું શરૂ કર્યું છે, જ્યારે સોહેલ તેના પેરન્ટ્સ સાથે શિફ્ટ થઈ ગયો છે.
મળતી માહિતી પ્રમાણે ૨૦૨૨માં ડિસેમ્બરમાં જ્યારે હંસિકા અને સોહેલનાં લગ્ન થયાં ત્યારે શરૂઆતમાં આ દંપતી સોહેલના પરિવાર સાથે રહેતું હતું. જોકે મોટા પરિવાર સાથે ઍડ્જસ્ટ થવું મુશ્કેલ હતું એટલે પછીથી તેઓ એ જ બિલ્ડિંગમાં અલગ ફ્લૅટમાં શિફ્ટ થઈ ગયાં. જોકે અલગ રહેવા પછી પણ બન્ને વચ્ચેની સમસ્યાઓનો અંત નથી આવ્યો. જોકે છૂટાછેડાના સમાચાર પર અત્યાર સુધી બન્ને તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.