‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર ૨’ પર જેલમાં બંધ ધનબાદના માફિયા ફહીમ ખાનની નજર

06 August, 2012 06:01 AM IST  | 

‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર ૨’ પર જેલમાં બંધ ધનબાદના માફિયા ફહીમ ખાનની નજર

ધનબાદનો નામચીન માફિયા ફહીમ ખાન હાલમાં અનેક ગુનાઓના આરોપસર ધનબાદ જેલમાં બંધ છે. તે ભલે જેલમાં છે, પણ તે પોતાના માણસો મારફત ડિરેક્ટર અનુરાગ કશ્યપની કોલસામાફિયાઓ પર આધારિત ‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર’ના બીજા ભાગ પર ચાંપતી નજર રાખી રહ્યો છે, કારણ કે આ બીજા ભાગની વાર્તાર્ની પ્રેરણા તેની રિયલ લાઇફ પરથી લેવામાં આવી છે. ચર્ચા પ્રમાણે ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકીનું પાત્ર આ ફહીમ ખાનના જીવન પરથી લેવામાં આવ્યું છે. ફિલ્મના સર્જકોએ માહિતી આપી છે કે આ ફિલ્મના લેખક અને ઍક્ટર ઝીશાન કાદરીને ફહીમના સાથીદારોએ તો ધમકી પણ આપી છે. ઝીશાન મૂળ ધનબાદનો છે અને તેનો પરિવાર તો હજી પણ ત્યાં જ રહે છે.

ફહીમ ખાન એ વાસેપુરની લોહિયાળ લડાઈમાં બચી ગયેલો ગૅન્ગસ્ટર છે. ઝારખંડના ધનબાદથી કેટલાંક કિલોમીટર દૂર આવેલા વાસેપુરમાં શબીર આલમ અને ફહીમ ખાન એમ બે માફિયાઓની આણ પ્રવર્તતી હતી. તેઓ એક સમયે ખાસ મિત્રો હતા, પણ ૧૯૯૫માં તેમણે પોતપોતાની અલગ ગૅન્ગ સ્થાપી હતી અને તેઓ કોલસો ખોદવાના તથા રેલવે-ટેન્ડરના કામમાં સંકળાયેલા કૉન્ટ્રૅક્ટરો પાસેથી ખંડણી ઉઘરાવવાનું કામ કરતા હતા. તેમની વચ્ચેની લોહિયાળ અથડામણમાં બન્નેએ પોતાના ઘણા પરિવારજનો ગુમાવ્યા છે, પણ બન્નેને આખરે જેલ થઈ જતાં તેમની ગૅન્ગ્સ વચ્ચેની અથડામણનું પ્રમાણ ઓછું થયું છે.

‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર ૨’ આ બુધવારે રિલીઝ થઈ રહી છે.