21 August, 2026 02:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મારી કુંડળીમાં બે લગ્નનો યોગ અને સુનીતાએ એના માટે તૈયાર રહેવું જોઈએ
ગોવિંદા અને સુનીતા આહુજાનાં લગ્નને લગભગ ૩૯ વર્ષ થઈ ચૂક્યાં છે. જોકે છેલ્લા કેટલાક સમયથી બન્ને વચ્ચેના મતભેદો સતત ચર્ચામાં છે. હવે આ વિવાદ ઘરની ચાર દીવાલમાંથી બહાર નીકળીને અખબારોની હેડલાઇન્સ અને ટીવી-ચર્ચાનો વિષય બની ગયો છે. સુનીતા અનેક વખત ગોવિંદા પર લગ્નેતર સંબંધોના આક્ષેપ લગાવી ચૂકી છે. આ બધાની વચ્ચે હવે ગોવિંદાનો ૯૦ના દાયકાનો એક જૂનો ઇન્ટરવ્યુ ચર્ચામાં આવ્યો છે જેમાં તેણે પોતાની કુંડળીમાં રહેલાં બે લગ્નના યોગ વિશે વાત કરી હતી.
ગોવિંદાએ આ યોગ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘આવતી કાલે શું થશે એ કોઈ જાણતું નથી. કદાચ હું કોઈ બીજી વ્યક્તિ સાથે રિલેશનશિપમાં આવી જાઉં અને જેની સાથે હોઉં તેની સાથે લગ્ન પણ કરી લઉં. મારી કુંડળીમાં પણ બીજાં લગ્નનો યોગ છે અને આ માટે મારી પત્ની સુનીતાએ તૈયાર રહેવું જોઈએ. આ પછી જ હું મુક્તપણે જીવી શકીશ.’
ગોવિંદાની કડક ચેતવણી પછી પત્ની સુનીતા આહુજાનો યુ-ટર્ન?
ગોવિંદા અને પત્ની સુનીતા આહુજાના લગભગ ૩૯ વર્ષ જૂના લગ્નજીવનની સફરમાં નવો વળાંક આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી બન્નેના છૂટાછેડાની અટકળો ચર્ચામાં હતી. હવે સુનીતાએ અચાનક પોતાનો છૂટાછેડાનો કેસ કાયદેસર રીતે પરત ખેંચીને યુ-ટર્ન લીધો છે. માનવામાં આવે છે કે તાજેતરમાં ગોવિંદાએ પત્નીને તેનાં નિવેદનો બદલ કડક ચેતવણી આપતાં સુનીતાએ પોતાનાં બાળકોના હિતને ધ્યાનમાં લઈને આ નિર્ણય લીધો છે.
સુનીતા ડિવૉર્સનો કેસ પરત ખેંચવાની પ્રક્રિયા માટે બાંદરાની ફૅમિલી કોર્ટ બહાર પોતાના પુત્ર યશવર્ધન આહુજા સાથે જોવા મળી હતી. સામાન્ય રીતે મીડિયામાં ખુલ્લેઆમ બોલતી સુનીતા આ સમયે સંપૂર્ણ મૌન રહી હતી, જ્યારે યશ આખો સમય માતાની સાથે ઊભો રહ્યો હતો. મળતી માહિતી પ્રમાણે સુનીતાએ ૨૦૨૪ની પાંચમી ડિસેમ્બરે છૂટાછેડાની અરજી દાખલ કરી હતી અને એમાં બેવફાઈ, ક્રૂરતા અને લાંબા સમયથી અલગ રહેવા જેવા મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જોકે હવે તેણે આ અરજી પાછી ખેંચી લીધી છે.
છૂટાછેડાનો કેસ પરત ખેંચવાનો નિર્ણય સુનીતાનો મોટો યુ-ટર્ન માનવામાં આવી રહ્યો છે. થોડા દિવસ પહેલાં સુધી સુનીતા જાહેરમાં ગોવિંદાની ટીકા કરીને વિવાદાસ્પદ નિવેદનો આપી રહી હતી. ગોવિંદા તેની ઍક્ટ્રેસ રાની સ્વર્ણકાર સાથે દેખાયો ત્યારે પણ સુનીતાએ ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી હતી. આ પછી ગોવિંદાએ પણ પહેલી વાર કેમેરા સામે પત્નીના નિવેદનોનો જવાબ આપ્યો હતો અને તેને મર્યાદામાં રહેવાની સલાહ આપી હતી. ગોવિંદાની આ કડક ચેતવણીના ત્રણ-ચાર દિવસ પછી સુનીતાએ છૂટાછેડાનો કેસ પરત ખેંચી લીધો.