28 May, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યશવર્ધન આહુજા
ગોવિંદાનો દીકરો યશવર્ધન આહુજા ૨૦૨૩માં રિલીઝ થયેલી તેલુગુ ફિલ્મ ‘બેબી’ની હિન્દી રીમેકથી બૉલીવુડમાં ડેબ્યુ કરવા માટે તૈયાર હતો. આ ફિલ્મનું ડિરેક્શન ઓરિજિનલ ફિલ્મના ડિરેક્ટર સાંઈ રાજેશ જ કરશે એવું પ્લાનિંગ પણ થઈ ગયું હતું. આ ફિલ્મમાં ઇરફાન ખાનનો દીકરો બાબિલ ખાન પણ મહત્ત્વની ભૂમિકામાં હતો. જોકે સાંઈ રાજેશ સાથેના વિખવાદ બાદ બાબિલ ખાને ફિલ્મ છોડી દીધી, જેના કારણે પ્રોજેક્ટ હવે અટકી ગયો છે.
હવે મળતી માહિતી પ્રમાણે હાલમાં ‘બેબી’ની હિન્દી રીમેકનું કામ અટકાવી દેવામાં આવ્યું છે, કારણ કે નિર્માતાઓ હવે બાબિલ ખાનની ભૂમિકા માટે રિપ્લેસમેન્ટ શોધી રહ્યા છે. આ મુદ્દે ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ માહિતી આપી છે કે ‘નિર્માતાઓએ ફીમેલ લીડને ફાઇનલ કરવામાં લગભગ છ મહિના વિતાવ્યા હતા અને હવે બાબિલના રિપ્લેસમેન્ટને શોધવાનું મુશ્કેલ કામ સામે છે. આમાં સમય લાગશે એટલે પ્રોડક્શન હાલમાં અટકાવી દેવામાં આવ્યું છે અને ફરીથી કામ ક્યારે શરૂ થશે એ નક્કી નથી.’